આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અલ્ટ્રાટેક સિમેન્ટ ટેક્નિકલ ટીમ દ્વારા સરદાર બાગ, મોરબી ખાતે યોગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ દ્વારા સ્વસ્થ, નિરોગી અને સંતુલિત જીવનશૈલી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
આ કાર્યક્રમમાં અલ્ટ્રાટેકના ડીલરો, કોન્ટ્રાક્ટરો, વરિષ્ઠ નાગરિકો તેમજ શહેરના અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા તેમજ નિયમિત યોગના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતા લાભોની માહિતી મેળવી.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહાનુભાવોને પૌષ્ટિક અને આરોગ્યવર્ધક સૂપ તેમજ હેલ્ધી નાસ્તો પીરસવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ અલ્ટ્રાટેક સિમેન્ટ ટીમના આ આરોગ્યલક્ષી અને પ્રેરણાદાયી આયોજનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનો સમાપન સૌએ નિયમિત યોગ અપનાવી સ્વસ્થ અને સક્રિય જીવન જીવવાનો સંકલ્પ લઈને કર્યો હતો.

