રાજ્યમાં સ્વ. અટલબિહારી બાજપેઈજીના જન્મદિવસના દિવસથી શરૂ થયેલા સુશાસન સપ્તાહની ઉજવણીનું આજે રાજકોટમાં સમાપન કરાયું હતું. તેમાં રાજ્યના પૂર્વ નાણામંત્રી તથા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજૂભાઈ વાળાએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમે શૌચાલયના પોખરામાં જ ધડાકા કરી શકો પોખરણમાં અણુ ધડાકા કરવા તમારૂ કામ નથી.

સૌરાષ્ટ્રના આર્થીક પાટનગર રાજકોટમાં આજે સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજૂભાઈ વાળા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રીઓ અને વર્તમાન કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમાપન સમારોહમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજૂભાઈ વાળાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે હરામનું ખાઈ શૌચાલયના પોખરામાં ધડાકો કરી શકો છો પોખરણમાં અણુ ધડાકો કરવો તમારી ત્રેવડ બહારનું કામ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વ. અટલબિહારી બાજપેઈજીની સરકાર દ્વારા પોખરણમાં ધડાકો કરીને અણુબોમ્બની શક્તિની સાથે ભારત પણ અણુબોમ્બ બનાવી શકે છે તે વિશ્વને જણાવ્યું હતું. એ સમયે કોંગ્રેસે બાજપેઈજીને અમેરિકા નારાજ થશે અને ભારતને નુકશાન થશે સહિતની વાતો કરી હતી. પરંતુ ત્યારે કોઈપણ વિચાર કર્યા વગર તેમણે પોખરણમાં અણુધડાકો કર્યો હતો.

સ્વ. અટલબિહારી બાજપેઈજીના જીવનની એક એક ક્ષણ અને શરીરનો એક એક કણ માતૃભૂમિ માટે થઈને તરસતો રહ્યો છે. માતૃભૂમિની રક્ષા માટે તલપાપડ છે તે જ પોખરણની અંદર ધડાકો કરી શકે છે. ભાજપના શાસનની અંદર માત્ર રસ્તા અને ગટરના કામો જ નહીં પણ દેશની પ્રજાને મરદ બનાવવાની, સશક્ત બનાવવાનું કામ સ્વ. અટલજીએ કર્યું છે. આજ કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે.

