મોસ્કો, શનિવાર
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને 23 ડિસેમ્બરે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પયગંબર મોહમ્મદના અપમાન કરવાને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હિસ્સો નહીં હોવાનું સ્પષ્ટપણે કહ્યુ છે. તેમણે કહ્યુ છે કે પયગંબરનું અપમાન કરવું ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન છે. તેમણે એમ પણ કહ્યુ છે કે પયગંબરનું અપમાન ઈસ્લામના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેમણે રશિયાના લોકોની પ્રશંસા કરી છે અને તેમણે અન્ય દેશોના નાગરિકોની સરખામણીએ રશિયનોને વધુ સહિષ્ણુ ગણાવ્યા છે.
પુતિનના આ નિવેદનનું પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને સ્વાગત કર્યું છે અને કહ્યુ છે કે ઈસ્લામોફોબિયાની વિરુદ્ધ આવા પ્રકારના સંદેશ આપવાની જરૂરત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ પુતિનના નિવેદનનું સ્વાગત કર્યું છે. પાકિસ્તાનના સોશયલ મીડિયામાં પણ લોકો પુતિનની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. રશિયાની ન્યૂઝ એજન્સી તાસ પ્રમાણે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રશિયાના રાષ્ટ્રપ્રમુખે કલાત્મક આઝાદી પર ભાર મૂક્યો. તેમણે એમ પણ કહ્યુ કે કલાત્મક આઝાદીમાં ધાર્મિક આઝાદીને ધ્યાનમાં રાખવામાં આવે. કલાત્મક આઝાદીની એક મર્યાદા હોય છે. આવી આઝાદીનો ઉપયોગ અન્ય સમુદાયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે થવો જોઈએ નહીં.
પુતિને રશિયાના લોકોના વખાણ કરતા કહ્યુ છે કે અન્ય દેશોના નાગરિકો કરતા રશિયાના લોકોમાં અન્ય ધર્મોનું સમ્માન કરવાની ક્ષમતા વધારે છે. તેમણે કહ્યુ હતુ કે રશિયા અન્ય સંસ્કૃતિઓ અને ધર્મોનું સમ્માન કરે છે અને રશિયાનો સમાજ એક બહુજાતીય અને બહુસાંસ્કૃતિક સમાજ તરીકે વિકસિત થયો છે. પુતિને એ લોકોની પણ ટીકા કરી છે કે જે નાઝીઓની તસવીરોને દ્વિતિય વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા રશિયાના સૈનિકોની તસવીરો ગણાવીને શેયર કરી રહ્યા છે. પુતિને પયગંબર મોહમ્મદના કાર્ટૂનના પ્રકાશન બાદ પેરિસમાં શાર્લી હેબ્દો મેગેઝીનના કાર્યાલય પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આવા પ્રકારના કૃત્યોએ કટ્ટરપંથીઓમાં બદલાના મૂળિયા જમાવી દીધા છે.
શાર્લી હેબ્દો ફ્રાંસનું એક કાર્ટૂન મેગેઝીન છે, તેમાં 2015માં પયગંબર મોહમ્મદના ઘણાં કાર્ટૂનો પ્રકાશિત થયા હતા. તેના પછી મેગેઝીનના કાર્યાલયમાં કટ્ટરપંથી હુમલો થયો, તેમાં મશહૂર કાર્ટૂનિસ્ટો સહીત 12ના મોત નીપજ્યા હતા. 2006માં પણ પુતિને પયગંબર મોહમ્મદના કાર્ટુન પર વાંધો વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ કૃત્ય ક્યારેય સ્વીકાર્ય નથી. તેમણે ઈશનિંદા કરનારા કાર્ટૂને વખોડતા કહ્યુ હતુ કે આ ઘટનાઓ ધર્મો વચ્ચે તિરાડ પેદા કરે છે. તેમણે કહ્યુ હતુ કે આવા કૃત્યો તે ધર્મ વિશેષમાં માનનારાઓને ઠેસ પહોંચાડે છે અને તેમને ભડકાવે છે.

