નવી દિલ્હી,શનિવાર
કેન્દ્ર સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે એક યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, રોકાણકારોને વૃદ્ધાવસ્થામાં 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે. આજે એટલે કે 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસરે અમે આ યોજનાના ફાયદાઓ વિશે જણાવીશું.
શું છે સ્કીમ ?
આ સ્કીમનું નામ અટલ પેન્શન સ્કીમ છે. આ યોજના હેઠળ રોકાણ કરવાની ઉંમર 18 થી 42 વર્ષ છે. આ સ્કીમ હેઠળ તમે માસિક ધોરણે 1 થી 5 હજાર રૂપિયાનું પેન્શન લઈ શકો છો. તમે પેન્શન માટે 42 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. 18 વર્ષની ઉંમરે આ સામાન્ય રકમથી શરૂ કરીને, વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં 1000 રૂપિયાના પેન્શનની વ્યવસ્થા કરી શકે છે.
ઉદાહરણ સાથે સમજો
ધારો કે તમારી ઉંમર 18 વર્ષ છે અને તમને 60 વર્ષ પછી દર મહિને રૂ. 5000 પેન્શન જોઈએ છે, તો તમારે દર મહિને રૂ. 210 ચૂકવવા પડશે. ઉંમર સાથે રોકાણની રકમ વધશે. આ સિવાય 80C હેઠળ ટેક્સમાં છૂટ મળી શકે છે.
વિશેષતાઓ
રોકાણકારના મૃત્યુ પર , જીવનસાથીને આજીવન પેન્શનની રકમની ખાતરી આપવામાં આવે છે અને અંતે, સબસ્ક્રાઇબર અને જીવનસાથી બંનેના મૃત્યુના કિસ્સામાં, પેન્શનની સંપૂર્ણ રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.

