દહેગામ નરોડા હાઇવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તા પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં ગયા બુધવારે બપોરે ચાર યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. એક બાઇક અને એક સ્કૂટર પર આવેલા આ ચારેય યુવકો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી હોવાનું અને તેઓ બર્થ ડે સેલિબ્રેશન કરવા માટે કેનાલ પર આવ્યા હોવાનું ખૂલ્યું છે. આજે ત્રણ ત્રણ દિવસની શોધખોળ પછી પણ આ ચારેય યુવકોનો અત્તો-પત્તો નથી. આથી, હવે એનડીઆરએફની ટીમે કેનાલ ફંફોળવાનું શરુ કર્યું છે. આ અગાઉ બહીયલ ગામના તરવૈયાઓએ અને ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમે આ યુવકોને શોધવાની કવાયત હાથ ધરી હતી.
દહેગામ નરોડા હાઈવે પર રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તા પર આવેલા નર્મદા કેનાલના બ્રિજ પાસે બુધવારે બપોરે એકાદ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની જવા પામી હતી. આ કેનાલમાં ચાર યુવકો એક પછી એક પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ ચાર યુવકો અમદાવાદના કૃષ્ણ નગર વિસ્તારમાંથી એક બાઇક અને એક્ટીવા પર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બની ગયાના ત્રણ કલાક પછી બહિયલના તરવૈયાઓ અને ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ઉતરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.. જોકે, આજે ત્રણ ત્રણ દિવસ વીતી જવા છતા આ યુવકોનો હજું સુધી હજી તેમાંથી કોઈપણનો અતો પતો મળ્યો નથી.
નર્મદા કેનાલના કિનારા પર સેલિબ્રેશનનો ક્રેઝ આવી દુર્ઘટનાઓ પાછળ જવાબદાર
અમદાવાદ અને ગાંધીનગરથી યુવકો બર્થ ડેની ઉજવણી માટે આવવા લાગ્યા છે. લગભગ રોજેરોજ આવી ચારથી પાંચ પાર્ટીઓ નર્મદા કેનાલના કિનારા પર થતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. નર્મદા કેનાલનો કિનારો આવી પાર્ટીઓનું સેલિબ્રેશન સ્થળ બની ગયો છે એ બાબત મદહઅંશે આવી દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. કેનાલ પર બર્થ ડે સેલિબ્રેશન જાણે સ્ટેટ્સ બની ગયુ છે પરંતુ આ સ્ટેટ્સમાં જ્યારે બેદરકારી ભળી જાય ત્યારે જિંદગી દાવ પર લાગી જતી હોય છે. નર્મદા કેનાલના કિનારા પર બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં પણ પાછું મોં પર કેક લગાવવા જેવી ધમાલ મસ્તી થતી હોવાની બાબત અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે. કારણ કે, મો પર લગાવેલી કેક ધોવા માટે કેનાલમાં જ યુવકો થાય છે અને આંખો પર પણ કેક લગાવાયેલી હોવાથી ઘણી વખત દેખાતું પણ હોતું નથી. આવા સંજોગો ગમખ્વાર દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે. પરિણામે નર્મદા કેનાલના કિનારે જન્મદિવસની ઉજવણી કે અન્ય કોઈપણ પાર્ટીઓ કરવાનું ટાળવું જોઈએ.

