મોરબી જિલ્લામાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે સામાજિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપો સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા સર્વ સમાજના બેનર હેઠળ રેલી યોજી જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રજૂઆતમાં મનોજ પનારા દ્વારા વિવિધ સમાજો વચ્ચે વિખવાદ સર્જાય તેવા નિવેદનો આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનોજ પનારા સહિત અન્ય સાત વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધાયેલી હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે. રેલીમાં જોડાયેલા નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ તમામ સમાજના લોકોની એકતા અને પરસ્પર સહકારથી આગળ વધ્યો છે. જિલ્લામાં સામાજિક સૌહાર્દ અને શાંતિ જળવાઈ રહે તેમજ જ્ઞાતિવાદી વિવાદો ઊભા ન થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય રામભાઈ ગોજીયાએ આક્ષેપ કર્યો હતો કે, મનોજ પનારા પોતાની પ્રસિદ્ધિ માટે સમાજોમાં વિખવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સામે ગુનો નોંધાયો હોવા છતાં હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. તેમણે તાત્કાલિક ધરપકડની માંગ કરવામાં આવી હતી.

