HomeGujaratનર્મદા કેનાલ પર બર્થ ડે પાર્ટી સેલિબ્રેશન ફેશન બનતા અકસ્માતો વધ્યા, આવા...

નર્મદા કેનાલ પર બર્થ ડે પાર્ટી સેલિબ્રેશન ફેશન બનતા અકસ્માતો વધ્યા, આવા સ્થળો પર ઉજવણી ટાળવી જોઈએ

અમદાવાદ, ગુરૂવાર

  દહેગામ નરોડા હાઇવે પર રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તે આવેલા બ્રિજ પાસે બર્થ ડે સેલિબ્રેશન ની ઉજવણી કરવા આવેલા ચાર યુવકો નર્મદા કેનાલમાં ડૂબી ગયા હોવાની ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી હતી. જો કે જેનો બર્થ ડે હતો એ યુવક સદભાગ્ય બચી ગયો હતો પરંતુ બાકીના ત્રણે યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ અને બહિયલના તરવૈયાઓએ નર્મદા કેનાલમાં ઉતરીને ડૂબી ગયેલા આ યુવકોની શોધખોળ હાથ ધરી હતી. ગુરુવારે બનેલી આ દુર્ઘટના સમાજની આંખો ઉઘાડનારી છે. કારણકે, હમણાં હમણાંથી તો નર્મદા કેનાલના કિનારા પર અવનવી પાર્ટીઓએ યોજવાની અને બર્થડે સેલિબ્રેશનની જાણે ફેશન થઈ ગઈ છે.

  અમદાવાદ અને ગાંધીનગરથી યુવકો બર્થ ડે ની ઉજવણી માટે આવવા લાગ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, લગભગ રોજેરોજ આવી ચારથી પાંચ પાર્ટીઓ તો નર્મદા કેનાલના કિનારા પર થતી જ રહે છે. નર્મદા કેનાલ નો કિનારો એ પાર્ટીઓનું સેલિબ્રેશન સ્થળ નથી એ વાત યંગસ્ટર્સે સમજી લેવાની જરૂર છે અને સાથોસાથ વાલીઓએ પણ પોતાના સંતાનો ક્યાં જાય છે અને કોની સાથે જાય છે તેની જાણકારી રાખવી એ હવે સમયનો તકાદો બની ગયો છે.

  કેનાલ પર બર્થ ડે સેલિબ્રેશન જાણે સ્ટેટ્સ બની ગયુ છે પરંતુ આ સ્ટેટ્સમાં જ્યારે બેદરકારી ભળી જાય ત્યારે જિંદગી દાવ પર લાગી જતી હોય છે. નર્મદા કેનાલના કિનારા પર બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં પણ પાછું મોં પર કેક લગાવવા જેવી ધમાલ મસ્તી થતી હોવાની બાબત અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે. કારણ કે, મો પર લગાવેલી કેક ધોવા માટે કેનાલમાં જ યુવકો થાય છે અને આંખો પર પણ કેક લગાવાયેલી હોવાથી ઘણી વખત દેખાતું પણ હોતું નથી. આવા સંજોગો ગમખ્વાર દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે. પરિણામે જન્મદિવસની ઉજવણી કે અન્ય કોઈપણ પાર્ટીઓ કરવાનું નર્મદા કેનાલના કિનારે તો ટાળવું જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW