નવી દિલ્હી, ગુરુવાર
ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં તેજીની વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં ગત 24 કલાકમાં 7495 નવા કેસ અને 434ના કોરોનાથી મોત નોંધાયા છે. બુધવારથી તે 18.6 ટકા વધારે છે. એક્ટિવ કેસો હાલમાં એક ટકાથી ઓછા એટલે કે 0.23 ટકા છે. તે માર્ચ-2020 બાદથી સૌથી ઓછા છે. ગત 24 કલાકમાં 6980 દર્દીઓ કોરોનામાંથી રિકવર થઈ ચુક્યા છે. તેના પછી રિકવરી રેટ 98.40 ટકા થઈ છે. જે માર્ચ-2020 બાદથી સૌથી વધારે છે અને દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,42,08,926 લોકો કોરોનામાંથી રિકવર થઈ ચુક્યા છે.
દૈનિક સંક્રમણ દર 0.62 ટકા પર છે, જે ગત 80 દિવસોથી 2 ટકા નીચે છે. તો સાપ્તાહિક સંક્રમણ દર 0.59 ટકા છે. તે ગત 39 દિવસોથી એક ટકા નીચે છે. રસીકરણની વાત કરવામાં આવે, તો ગત 24 કલાકમાં વેક્સિનેશનનો આંકડો 7017671 છે. અત્યાર સુધીમાં લોકોને વેક્સિનના કુલ 1396976774 ડોઝ લગાવાયા છે. તેમા પહેલો અને બીજો ડોઝ સામેલ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રમાણે, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસોની સંખ્યા 236 થઈ છે. જેમાં 104 લોકો ઠીક થઈ ચુક્યા છે. દેશમાં નવા વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 65 અને દિલ્હીમાં 64 કેસ નોંધાયા છે. જ્યારે તેલંગણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19, કેરળમાં 15 અને ગુજરાતમાં 14 કેસ નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના કેસ જોતા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ-144 લાગુ છે. જ્યારે પશ્ચિમ બંગાળના નદિયામાં નવોદય સ્કૂલના 29 બાળકો કોરોનાગ્રસ્ત થયા છે. આ તમામ આવાસીય સ્કૂલના નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે. તો હિમાચલ પ્રદેશના બિલાસપુરની એક સ્કૂલમાં 23 બાળકો કોરોનાગ્રસ્ત થયા છે.
ગઈકાલે ગત 24 કલાકમાં કોરોનાના 6317 નવા કેસ નોંધાયા હતા. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં કુલ 138.96 કરોડ રસી અપાય ચુકી છે. તો દેશમાં ગઈકાલે કુલ એક્ટિવ કેસ 78190 હતા. જાણકારી પ્રમાણે, 6906 લોકો કોરોનામાંથી ઠીક થયા હતા.તેના પછી કુલ રિકવર થનારા લોકોની સંખ્યા 34201966 થઈ હતી. 318 લોકોના મોત નીપજ્યા હતા. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેના સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ બેઠક બોલાવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બેઠક બાદ દિલ્હી માટે તે નવા દિશાનિર્દેશ જાહેર કરશે.

