HomeGujaratમોરબીમાં ટૂંક સમયમાં શરૂ થશે 'આકાશવાણી' કેન્દ્ર: દિલ્હી-અમદાવાદના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જગ્યાનું...

મોરબીમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘આકાશવાણી’ કેન્દ્ર: દિલ્હી-અમદાવાદના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જગ્યાનું સ્થળ નિરીક્ષણ

મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લાના લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબીમાં ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી)નું સ્ટેશન શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. આ માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતો અને પ્રયાસોના પરિણામે પ્રોજેક્ટને લઈને કામગીરીને વેગ મળ્યો છે.

આકાશવાણી સ્ટેશન સ્થાપવા માટે સૂચિત કરવામાં આવેલી જગ્યાનું આજે ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળની યોગ્યતા, ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સ્ટેશનની સ્થાપના માટેની અન્ય આવશ્યક બાબતો અંગે સ્થળ પર પ્રાથમિક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

સ્થળ નિરીક્ષણ દરમિયાન ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીના એડિશનલ ડાયરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ, આકાશવાણી અમદાવાદ-ગુજરાત ક્લસ્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ સહિતના અધિકારીઓ અને સંબંધિત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, જયદીપભાઈ દેત્રોજા સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આકાશવાણી સ્ટેશન માટેની વ્યવસ્થા અને પ્રોજેક્ટની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મોરબીમાં આકાશવાણી કેન્દ્ર શરૂ થયા બાદ સ્થાનિક સ્તરના સમાચાર અને જનહિતલક્ષી માહિતી માટે નવું માધ્યમ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા તથા સામાજિક જાગૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમોને પણ વિશાળ શ્રોતાવર્ગ સુધી પહોંચાડવાની તક મળશે. સ્થાનિક કલાકારો, પ્રતિભાશાળી યુવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત લોકો માટે પણ આકાશવાણીનું કેન્દ્ર પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ શકે છે.

મોરબીમાં આ મહત્વપૂર્ણ સુવિધા શરૂ થાય તે માટે લાંબા સમયથી કરવામાં આવી રહેલા પ્રયાસોના પરિણામે હવે પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આકાશવાણી સ્ટેશન શરૂ થવાથી મોરબીના વિકાસમાં વધુ એક નવી સુવિધાનો ઉમેરો થશે અને સ્થાનિક લોકો માટે સંચાર તથા માહિતીનું વધુ એક અસરકારક માધ્યમ ઉપલબ્ધ બનશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW