અમદાવાદ,બુધવાર
શિયાળાની ઋતુ મોડે મોડે પરંતુ હવે બરાબર જામી છે ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળી હોય તેમ રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ પહોંચી ગયા હતા. સતત ત્રીજા દિવસે અમદાવાદનું તાપમાન ઘટી 9.2 ડિગ્રીએ પહોંચી જતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. બીજી તરફ કોલ્ડ વેવ અને ઉત્તર પૂર્વિય પવનને કારણે ઠંડા પવન ફૂંકાતા વર્તમાન ઠંડીનું મોજુ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા-સુકા પવન ગુજરાત તરફ આવી રહ્યાં છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં ત્રણ લઇ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. રાજ્યના વિવિધ શહેરના તાપમાન પણ ઘટી સિઝનમાં પહેલીવાર 11 ડિગ્રી આસપાસ રહેતા જોરદાર ઠંડી વર્તાઇ હતી. ત્યારે ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે 200 મિટર દુરનું પણ દ્રષ્ય સાફ ન દેખાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે પરંતુ હવે ડિસેમ્બરમાં શિયાળો પોતાના પરચો બતાવે અને જોરદાર ઠંડી પડે તેવી શક્યતાઓ છે. ઉપરાંત રાજ્યમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રીથી નીચે જવાની પણ શક્યતા છે.
શહેરોના તાપમાન :
અમદાવાદ 9.2
અમરેલી 11.8
વડોદરા 10.4
ભાવનગર 13.5
ભૂજ 15
ડીસા 10
દીવ 10.8
જુનાગઢ 11.8
કંડલા 12.8
નલિયા 12.2
પાટણ 10
પોરબંદર 11
રાજકોટ 12.3
સુરત 14
વેરાવલ 15.8

