લંડન, બુધવાર
ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે એક મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે વેક્સિનથી મળેલી સુરક્ષા કેટલી અસરકારક છે. હવે વેક્સિન પર લેંસેટનો એક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે. સ્ટડી પ્રમાણે, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીથી મળેલી સુરક્ષા બે ડોઝ લીધાના ત્રણ માસ બાદ ઘટી જાય છે. ભારતમાં મોટાભાગના લોકોને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિન લગાવવામાં આવી છે. તેના માટે રિસર્ચર્સે બ્રાઝિલ અને સ્કોટલેન્ડના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. સ્ટડીના નિષ્કર્ષો જણાવે છે કે એસ્ટ્રાજેનેકાની રસી લગાવનારાઓને ગંભીર બીમારી સામે સુરક્ષા બનાવી રાખવા માટે બૂસ્ટર ડોઝ લગાવવાની જરૂરત છે.
આ સ્ટડી એસ્ટ્રાજેનેકા વેક્સિન લઈ ચુકેલા સ્કોટલેન્ડના 20 લાખ લોકો અને બ્રાઝિલના 4.2 કરોડ લોકો પર કરવામાં આવેલા અભ્યાસ પર આધારીત છે. રિસર્ચર્સનો દાવો છે કે સ્કોટલેન્ડમાં બીજો ડોઝ લેનારાઓને બે સપ્તાહ બાદની સરખામણીમાં ડોઝ લીધાના 5 માસ બાદ હોસ્પિટલમાં ભરતી અથવા કોરોનાથી મરનારાઓની સંખ્યામાં પાંચ ગણો વધારો દેખાયો હતો. તેમણે કહ્યુ હતુ કે વેક્સિનની અસરકારકતામાં લગભગ ત્રણ માસ બાદ જ ઘટાડો જોવા મળે છે. બીજા ડોઝના બે સપ્તાહ બાદની સરખામણીમાં ત્રણ માસ બાદ જ ઘટાડો જોવા મળે છે. બીજા ડોઝના બે સપ્તાહ બાદની સરખામણીમાં ત્રણ માસ બાદ હોસ્પિટલમાં ભરતી થવાનો અને મોતનો ખતરો બેગણો થઈ જાય છે. સ્કોટલેન્ડ અને બ્રાઝિલના રિસર્ચર્સે તારવ્યું છે કે વેક્સિનનો બીજો ડોઝ લેનારાને ચાર માસ બાદ તેની અસર વધુ ઘટી જાય છે અને પ્રારંભિક સુરક્ષાની સરખામણીમાં હોસ્પિટલમાં ભરતી થવા અને મોતનો ખતરો લગભગ ત્રણ ગણો વધી જાય છે. તેમણે કહ્યુ છે કે બ્રાઝિલમાં પણ આવા પ્રકારના આંકડા જોવા મળ્યા છે.
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર અઝીઝ શેખે કહ્યુ છે કે મહામારી સામે લડવામાં વેક્સિન ઘણી જરૂરી છે. માટે તેની પ્રભાવશીલતામાં ઘટાડો ચિંતાનો વિષય છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીની પ્રભાવશીલતામાં પહેલીવાર ઘટાડો ક્યારે શરૂ થાય છે, તેની ઓળખ કરીને બૂસ્ટર પ્રોગ્રામ તૈયાર કરવો જોઈએ. જેથી મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. રિસર્ચર્સ પ્રમાણે, વેક્સિનની પ્રભાવશીલતા ઓથી થવાની અસર નવા વેરિએન્ટ પર પણ પડવાની સંભાવના છે.
જો કે એક્સપર્ટ્સની ચેતવણી છે કે આ આંકાડાને સાવધાની સાથે સમજવા જોઈએ, કારણ કે વેક્સિન નહીં લગાવનારાઓની સરખામણી વેક્સિન લગાવનારાઓ સાથે કરવી કઠિન છે. ખાસ કરીને મોટાભાગના વૃદ્ધો હવે વેક્સિનેટેડ થઈ ચુક્યા છે. ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીનિવાસ વિટ્ટલ કાતિકિરેડ્ડીએ કહ્યુ છે કે સ્કોટલેન્ડ અને બ્રાઝિલ બંનેના ડેટા વિશ્લેષણથી ઉજાગર થાય છે કે કોવિડ-19થી સુરક્ષામાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનની પ્રભાવશીલતામાં ઘણો ઘટાડો થયો છે. આપણું કામ બૂસ્ટરના મહત્વ પર પ્રકાશ પાડવાનું છે, ભલે તમે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનના બંને ડોઝ લગાવડાવી દીધા હોય.

