જામનગર, બુધવાર
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લાના જામનગર અને જોડિયા તાલુકાના સચાણા, સિક્કા, બેડી, રસુલનગર, જોડિયાના માછીમાર ભાઈઓ દ્વારા અનેકવિધ પ્રશ્નો રજૂઆત કરવામાં આવેલ હતી. જે બાબતે મત્સ્યોદ્યોગ કમિશ્નરશ્રી સતીષ પટેલ, નાયબ મત્સ્યોદ્યોગ નિયામક કિરીટ પટણી સહિતના વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજેલ હતી. માછીમારી કરતા ભાઈઓના વિવિધ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવા સૂચના આપી હતી. જેમા વર્ષ 2017 પહેલા જે જૂની બોટોનું રજીસ્ટ્રેશન એક યા તો બીજા કારણોસર બાકી રહી ગયેલ હોઈ તેઓને વહેલી તકે રજીસ્ટ્રેશન કરી આપવા, સચાણા ગામે આવેલી જેટીમાં વધારાની નવી 300 મીટર લંબાઈ વધારવી, સચાણા ગામે આવેલ જેટીમાં અલગથી આશરે ચાર કિલોમીટર પાણીની પાઈપ લાઈન બોટો માટે નાખવી, સચાણા ગામે આવેલ જેટીના રોડની બંને સાઈડોમાં આર.સી.સી. કરવાના કામની રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સચાણા ગામે આવેલ નવી મચ્છી માર્કેટ બનાવવી, જોડિયા બંદર ઉપર આવેલ જેટીમાં લાઈટ, પાણીની વ્યવસ્થા કરવી, જોડિયા બંદર ઉપર બોટ લંગારી શકાય તે માટે ડ્રેજીંગ કરવું, જોડિયા બંદરની જેટીનું રીપેરીંગ કરવું, રાજાશાહી વખતની મેરીટાઈમ બોર્ડ હસ્તકની બેડી બંદર ખાતે આવેલ જેટી માછીમારો માટે અનામત રાખવી, બેડી ખાતે નવી મચ્છી માર્કેટ બનાવવી સહિતના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માછીમાર ભાઈઓને મત્સ્યોદ્યોગ વિભાગની યોજનાઓની પુરતી જાણકારી મળે તે માટે સચાણા, બેડી, સિક્કા, જોડિયા, રસુલનગર ગામે કેમ્પના આયોજન કરવા પણ જણાવાયું હતું. આ બેઠકમાં જામનગર-સચાણા બોટ એસોસીએશનના પ્રમુખ મહમદ સીદીક હાજી ગંઢાર સહિત અન્ય માછીમારો હાજર રહ્યા હતા અને રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો વહેલી તકે નિકાલ લાવવા મંત્રીએ સૂચના આપી હતી.

