HomeGujaratપેપરલીક કાંડ : સૂર્યા ઓફસેટ પહેલેથી પેપરલીક માટે બદનામ છતાં અસિત વોરાએ કોન્ટ્રાક્ટ...

પેપરલીક કાંડ : સૂર્યા ઓફસેટ પહેલેથી પેપરલીક માટે બદનામ છતાં અસિત વોરાએ કોન્ટ્રાક્ટ આપ્યો 

ગાંધીનગર, બુધવાર 

  હેડ ક્લાર્ક પેપરલીકમાં સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે આવનારા નજીકના દિવસોમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. સૂર્યા ઓફસેટ પેપરલીક માટે કૂખ્યાત હોવા છતાં પણ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાએ કેમ કોન્ટ્રાક્ટ આપ્યો તે ચર્ચાનો વિષય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને સત્ય બહાર આવશે ત્યારે આવશે પણ હાલ અનેક સવાલો ચર્ચાની એરણે ઉપર છે. અસિત વોરાને સૂર્યા ઓફસેટ ઉપર કેમ એટલો બધો પ્રેમ ઉભરાયો તે સમજવા લાયક છે. ભાજપના નેતાઓના ચારે હાથ હોવાથી મુદ્રેશ પુરોહિતને તમામ પ્રિન્ટિંગના કોન્ટ્રાક્ટ મળતા હતા.

  પેપરલીક માટે સૂર્યા ઓફસેટ કૂખ્યાત હોવા છતાં પણ વારંવાર કેમ પ્રિન્ટિંગના ઓર્ડર અપાતા હતા તે મામલે આગામી દિવસોમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. અસિત વોરા અને મુદ્રેશ પુરોહિત વચ્ચે શું રંધાતું હતું તે પણ બહાર આવી શકે છે. મુદ્રેશ પુરોહિત અગાઉ એક મહિનો જેલની હવા ખાઈ આવ્યો છે તેમ છતાં પણ તેણે જ ઓર્ડર આપવામાં આવ્યા હતા. અસિત વોરાને કેમ બીજી કોઈ પ્રિન્ટિંગ પ્રેસ દેખાઈ નહી તેના સવાલો નિરૂત્તર રહેવા પામ્યા છે. મુદ્રેશ પુરોહિતનો ગુનાહીત ઈતિહાસ હોવા છતાં પણ અસિત વોરાએ કેમ નજર અંદાજ કર્યો અને તેણે જ ઓર્ડર આપ્યા તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. મુદ્રેશ પુરોહિત અસિત વોરાનો ખાસમખાસ માણસ હતો અને ભાજપ તેમજ આરએસએસનું પીઠબળ હોવાથી તેણે બધા કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હતા. મુદ્રેશ પુરોહિતની કોલ ડિટેલ્સ અને અસિત વોરાની કોલ ડિટેલ્સ કાઢવામાં આવે તો અનેક મોટા રહસ્યો બહાર આવી શકે છે.

  અગાઉ ૨૦૧૫માં પણ રાજસ્થાનના ક્લાસ વન અને ક્લાસ ટુના પેપર પણ સૂર્યા ઓફસેટમાંથી લીક થયા હતા. અગાઉ ગુજરાત યુનિવર્સિટીના પેપરમાં પણ ગેરરીતિ થતાં મુદ્રેશ પુરોહિત સામે ચાર્જશીટ પણ થઈ હતી. મુદ્રેશ પુરોહિત એક મહિનો જેલની હવા ખાઈ આવ્યો હોવા છતાં પણ અસિત વોરાને કેમ તે દેખાયું નહી તે ચર્ચાનો વિષય છે. માત્ર એટલું જ નહી પણ ૨૦૧૯ની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ આ જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું અને ત્યારે તત્કાલિન ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સૂફિયાણી વાતો કરી હતી અને ગુજરાતના લાખો ઉમેદવારોને આશ્વાસન આપ્યું હતું કે, ભવિષ્યમાં આવી પેપરલીકની ઘટના ફરીથી બનશે નહી. ભાજપના નેતાઓ વારંવાર આવી ટેપ વગાડે છે પણ પેપરલીકનો સિલસિલો અટકતો નથી. 

  ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા સામે પેપરલીક કાંડમાં પહેલેથી આંગળી ચીંધાઈ રહી છે અને તે શંકાના દાયરામાં આવી રહ્યા છે. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત સાથે તેમણે ઘરોબો હોવાના નાતે જ વારંવાર પ્રિન્ટિંગના ઓર્ડર આપ્યા હતા. સૂર્યા ઓફસેટ પેપરલીક માટે કૂખ્યાત હોવા છતાં પણ શા માટે અસિત વોરાએ કોન્ટ્રાક્ટ આપ્યા તે અનેક રહસ્યો ઉપજાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગૌણ સેવા મંડળના ચેરમેન વોરા કોન્ટ્રાક્ટ આપતા હતા અને તેની પાછળનું કારણ શું છે એ તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે તેમ છે. મુદ્રેશ પુરોહિત એક મહિનો જેલની હવા ખાઈ આવી ચૂકેલો છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવા છતાં પણ વારંવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.

  મુદ્રેશ પુરોહિત ચબરાક અને ચાલાક હોવાથી અગાઉ જ્યારે રાજસ્થાન પરીક્ષા બોર્ડના ક્લાસ વન અને ક્લાસ ટુના પેપર લીક થયા ત્યારે પોતે આબાદ છટકી ગયો હતો અને પોતાના કર્મચારીઓને આગળ ધરી દીધા હતા. હવે જ્યારે પોલીસે મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરી છે ત્યારે સત્ય હકીકતો બહાર આવે તેવું લાખો શિક્ષિત ઉમેદવારો ઈચ્છી રહ્યા છે. અસિત વોરા અને મુદ્રેશ પુરોહિત વચ્ચે એવા તો કયા સંબંધો હતા કે જેના કારણે વારંવાર તેણે જ કોન્ટ્રાક્ટ મળતો હતો. ભાજપના કયા મોટા નેતાઓના ચારે હાથ મુદ્રેશ ઉપર હતા જેના કારણે તેણે જ ઓર્ડર મળતા હતા. મુદ્રેશ અને અસિત વોરાની જુગલબંધીએ 88 હજાર પરિવારોનો વિશ્વાસ તોડ્યો છે ત્યારે આગામી દિવસોમાં અસિત વોરા સામે પણ તપાસ થાય તેવું ઉમેદવારો ઈચ્છી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW