ઈસ્લામાબાદ, મંગળવાર
પાકિસ્તાને રવિવારે ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠક બોલાવી હતી અને તેમા કુલ 57 મુસ્લિમ દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ આ બેઠકમાં માત્ર 20 દેશોના નેતાઓ જ પહોંચ્યા. આ સિવાય કેટલાક અન્ય દેશોએ પોતાના રાજદૂતોને જ મોક્લ્યા. આને લઈને પાકિસ્તાનમાં જ ઈમરાનખાનની સરકાર ઘેરાય છે. વડાપ્રધાન ઈમરાનખાનની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવાય રહ્યા છે.
19 ડિસેમ્બરે ભારતે પણ પાંચ દેશોની બેઠક અફઘાનિસ્તાનના મામલે બોલાવી હતી. આ બેઠકમાં ઉઝ્બેકિસ્તાન, તાજિકિસ્તાન,કજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાનના વિદેશ મંત્રીઓ સામેલ થયા હતા. આ તમામ 5 ઈસ્લામિક દેશોની સીમાઓ અફઘાનિસ્તાનને સ્પર્શે છે અને તેમની ભૂમિકા અશાંત દેશમાં પેદા થનારી સ્થિતિઓને નિયંત્રિત કરવામાં મહત્વની માનવામાં આવે છે.
રવિવારે ભલે ઈસ્લામાબાદ અને દિલ્હીમાં અલગ-અલગ બેઠકો થઈ રહી હતી. પરંતુ વિદેશ નીતિના જાણકારો માની રહ્યા છે કે ભારતની આ રણનીતિથી પાકિસ્તાનને મોટા આંચકો લાગ્યો છે. પાકિસ્તાન તાજેતરના વર્ષોમાં તુર્કી અને મલેશિયા સાથે મળીને ઈસ્લામિક દેશોની લીડરશિપ સ્થાપિત કરવાનો પ્રયાસકરી રહ્યું છે. પરંતુ માત્ર 20 દેશોના નેતાઓનું જ ઈસ્લામાબાદ પહોંચવું તેના માટે આંચકો હતો. આ 57 દેશોમાંથી 5 નેતાઓ દિલ્હીમાં જ હાજર હતા. ઈસ્લામિક દેશોના નેતાઓનું ઈસ્લામાબાદના સ્થાને દિલ્હી આવવું પાકિસ્તાન માટે ઝાટકો માનવામાં આવે છે.
ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠકમાં અફઘાનિસ્તાનને માનવીય સહાયતા પહોંચાડવા માટે ટ્રસ્ટ ફંડ માટે સંમતિ બની છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ફરી એકવાર કાશ્મીરના મામલાને ઈસ્લામ સાથે જોડીને સદસ્ય દેશોને એકજૂટ થવાની અપીલ કરી હતી. જો કે આના પર કોઈ અન્ય દેશ તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. બેઠકમાં ઈમરાને કહ્યુ હતુ કે પેલેસ્ટાઈન અને કાશ્મીરના લોકો ઈસ્લામિક દુનિયા સાથે એકજૂટતા સાથે પ્રતિક્રિયા ચાહે છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યુ કે ઈસ્લામિક સહયોગ સંગઠનને દુનિયાને ઈસ્લામના ઉપદેશો સંદર્ભે જણાવવા માટે એકજૂટ થવું જોઈએ.
પાકિસ્તાનના મશહૂર પત્રકાર કમર ચીમાએ ઓઆઈસી બેઠકમાં ઓછા દેશોના પહોંચવા પર ઈમરાનખાનની સરકારને નિશાને લીધી છે. ચીમાએ કહ્યુ છે કે ગત મહીને સેન્ટ્રલ એશિયન દેશોના એનએસએ પણ દિલ્હી આવ્યા હતા. તેના પછી ભારતે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનના સમારંભમાં પણ આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કર્યા છે. હવે ઈન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટ થઈ છે. કુલ મળીને ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની ઘેરી પહોંચ ફરીથી ઉભી કરી લીધી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને એનએસએ અજીત ડોભાલની ડિપ્લોમસીની પ્રશંસા કરવી પડશે. આ પાકિસ્તાની હાર છે. ભારતે એક જ ઝાટકે ઈમરાન અને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની મહેનત પર પાણી ફેરવી દીધું.

