ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. રાજ્યની 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું. તો ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. ગ્રામ પંચાયતોમાં 23,112 મતદાન મથક પર 37,451 મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સવારે 9 વાગે મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 344 સ્થળો પર અને 1,711 હોલમાં મત ગણતરી ચાલુ થઈ ગઈ છે.રાજ્યમાં કુલ 4,519 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં કુલ 19,916 સ્ટાફ મતગણતરીમાં જોડાયા છે.મતગણતરી કેન્દ્રો પર 14,291 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય ટિમો પણ ખડેપગે છે. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય વિભાગ ના 2,576 કર્મચારીઓ જોડાયા છે. વર્ગ 4 ના 5,914 કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાયા છે.કોવિડ પ્રોટોકોલના આધારે મતગણતરી કેન્દ્રો પર એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

