મોરબી જિલ્લા SOG ટીમે રંગપર ગામ નજીક આવેલી એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં દરોડો પાડી 1.814 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને રોકડ રકમ તથા મોબાઈલ સહિત કુલ રૂ. 98,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, SOG ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જેતપર રોડ પર રંગપર ગામ નજીક સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલી સ્વેડ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ગાંજો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન લેબર ક્વાર્ટરમાં રહેતા સુનિલ રાધેશ્યામ મોઆર, જે મૂળ બિહારનો રહેવાસી છે, તેના રૂમમાંથી 1.814 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 90,700 કિંમતનો ગાંજો, ગાંજાના વેચાણમાંથી મળેલા હોવાનું મનાતાં રૂ. 2,650 રોકડા તેમજ રૂ. 5,000 કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો.
આમ, કુલ રૂ. 98,350નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુનિલ રાધેશ્યામ મોઆરની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

