અમદાવાદ,મંગળવાર
ગુજરાતમાં હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપર ફુટી નીકળ્યાની ઘટના બાદ સરકારે પરીક્ષા રદ કરી છે. તેની સાથે રાજયમાં હાલમાં લેવાયેલી માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતી પ્રક્રિયામાં મેરીટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે રૂબરૂ ઈન્ટરવ્યુ નવેસરથી લેવા તથા વેઈટીંગ લીસ્ટ પણ બનાવવાની માંગણી કરી હતી. આ બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.
માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતીના વિવાદમાં હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-1 અને 2 ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર સ્ટે મુકી દીધો છે ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતીમાં કૌભાંડ સામે આવ્યા બાદ હવે માહિતી વિભાગની ભરતીમાં પણ કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. ભરતી પ્રક્રિયાને લઈને કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો હતો.
અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા. 100 માર્કના ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે. પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્કની સમાનતા જળવાઈ નથી. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? તે ઉપરાંત ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે.
અરજદારોએ કરેલ પિટિશનમાં માહિતી વિભાગે પોતે જ આ પરીક્ષા લીધી તેને પણ પડકારી છે. કારણ કે આ પ્રકારની પરીક્ષાઓ લેવા માટે જ્યારે ગુજરાત પાસે જાહેર સેવા આયોગનું માળખું અસ્તિત્વમાં છે. તો વિભાગ આ પરીક્ષા કેમ લઈ શકે!આ ઉપરાંત ઇન્ટરવ્યૂમાં જે પેનલીસ્ટ રાખવામાં આવ્યા હતા. તેની લાયકાત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.ઇન્ટરવ્યૂ કમિટીના મુખ્ય ચેરમેન હતા, તેઓ પોતે જ વ્યસ્તતાના કારણે ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં હાજર ન હતા. જેને લઈ આ મામલે ગુજરાત હાઇકોર્ટે માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? સાથે જ ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ હોવાનું અવલોક કર્યું છે.

