નવી દિલ્હી, સોમવાર
હથિયારોથી સજ્જ ડ્રોન હવે ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. તેના માટેનો રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ડીઆરડીઓ આ ડ્રોનનું નિર્માણ ત્રણેય સૈન્ય પાંખ માટે કરશે. જો કે તાત્કિલક જરૂરિયાતો માટે હાલ ભારત 30 સશસ્ત્ર ડ્રોનની અમેરિકા પાસેથી ખરીદી કરવાનું છે.
સંરક્ષણ સૂત્રો પ્રમાણે, આગામી દશ વર્ષોમાં દેશમાં સશસ્ત્ર ડ્રોન તૈયાર કરી લેવામાં આવશે. ડીઆરડીઓની ઘણી પ્રયોગશાળાઓ આના પર કામ શરૂ કરી ચુકી છે. તેના પ્રમાણે ડીઆરડીઓ હાલ ઉપલબ્ધ પોતાના માનવવિહીન વિમાનો ખાસ કરીને રુસ્તમ જી-2ને સશસ્ત્ર ડ્રોનમાં પરિવર્તિત કરશે. તેના સિવાય નવા ડ્રોન પ્લેટફોર્મ પણ વિકસિત કરવામાં આવશે.
સશસ્ત્ર ડ્રોન દુશ્મન પર બોમ્બ અને મિસાઈલોથી હુમલા કરવામાં સક્ષમ હશે. સશસ્ત્ર ડ્રોનને 100 કિલીટર અથવા તેનાથી વધુ અંતર સુધી હુમલો કરવા માટે સક્ષમ બનાવવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે તાત્કાલિક જરૂરિયાતોની પૂર્તિ માટે અમેરિકા પાસેથી 30 સશસ્ત્ર પ્રીડેટાર ડ્રોન ખરીદવામાં આવશે. તેને 10-10ની સંખ્યામાં દરેક સૈન્ય પાંખને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની કિંમત ત્રણ અબજ ડોલરની નજીક હોવાનો અંદાજ છે.
યુદ્ધમાં ડ્રોનની સાથે સશસ્ત્ર ડ્રોનનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. પહેલા ડ્રોન નિરીક્ષણ અને જાસૂસી માટે ઉપયોગમાં લેવાતું હતુ. પરંતુ હવે હુમલા માટે પણ તેનો ઉપયોગ કરાય રહ્યો છે. જાણકારો પ્રમાણે, આગામી સમયમાં તમામ યુદ્ધો આવા જ પાયલટવિહીન હથિયારોથી સજ્જ નાના વિમાનો અને ડ્રોન દ્વારા લડવામાં આવશે. તાજેતરમાં નૌસેના પ્રમુખ આર. હરિકુમારે કહ્યુ છે કે હથિયારબંધ ડ્રોન દેશમાં જ તૈયાર કરવામાં આવશે.
સંરક્ષણ વિશેષજ્ઞ અને ડીઆરડીઓના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. રવિ ગુપ્તાએ કહ્યુ છે કે ડીઆરડીઓ દ્વારા વિકસિત રુસ્તમ-જી હાલ પણ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. એટલું જ નહીં ભારત પાસે ડ્રોનમાં વપરાતી તમામ તકનીક ઉપલબ્ધ છે. તેમાંથી ઘણી તકનીકોનો રુસ્તમ જીમાં ઉપયોગ પણ કરાય રહ્યો છે. તેથી એ સમય દૂર નથી કે જ્યારે દેશમાં સસશ્ત્ર ડ્રોનનું નિર્માણ શરૂ થઈ જશે.

