સાબરકાંઠા,રવિવાર
ગુજરાતભરના વહીવટી તંત્ર માટે કાળો ધબ્બો સાબિત થયેલા હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીક કેસના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે.પેપર લીક કાંડમાં ઝડપાયેલા 8 આરોપીઓને આરોપીઓને પ્રાંતિજ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં 9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓ 27મી ડિસેમ્બર સુધી રિમાન્ડ પર રહેશે. તમામ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ હિંમતનગર લઈ જવાયા છે જો કે, મુખ્ય સુત્રધાર મનાતો એક આરોપી જયેશ પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે.આ સિવાયના બે અન્ય આરોપીઓને પણ પોલીસ શોધી રહી છે. રિમાન્ડ પર રહેલા તમામ આરોપીઓની હવે સાબરકાંઠા પોલીસ પૂછપરછ કરશે.
હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીકકાંડમાં મહત્વની વિગતો સામે આવી છે, ખાનગી પ્રેસમાં પેપર છપાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ખાનગી પ્રેસમાંથી પેપર લીક થયાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. પેપર અન્ય રાજ્યની ખાનગી પ્રેસમાં પેપર છપાયું કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે, પોલીસ દ્વારા પ્રેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાશે. મહત્વનું છે કે બિન સચિવાલય પરીક્ષાનું લીક થયેલું પેપર પણ ખાનગી પ્રેસમાં છપાયું હતું ત્યારે બિન સચિવાયલની પેપર લીકની મોડસ ઓપરેન્ડીની થિયરી પર પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય રાજ્યના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

