દહેગામ, રવિવાર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 12 ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્ક ની પરીક્ષામાં પેપર લીક બાબતે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ વિભાગોએ આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અત્યાર સુધી 8 લોકોની અટકાયત કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા વધુ ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જેમાં દહેગામ તાલુકાના હાથીજણ ના દિપક મહેન્દ્રભાઈ પટેલની સંડોવણી બહાર આવતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં અન્ય બે વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જે પૈકી એક વ્યક્તિ નરોડા નો રહેવાસી છે જ્યારે અન્ય એક વ્યક્તિ સાણંદ તાલુકાનો છે જે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર પ્રિન્ટિંગ થયા હતા તે પ્રેસનો સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. દીપક મહેન્દ્રભાઈ પટેલે આ પેપર નવ લાખ રૂપિયા માં પ્રાંતિજના ઊંછા ગામના દેવલ જશવંતભાઈ પટેલ તથા જયેશ ઈશ્વરભાઈ પટેલને આપ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારના રોજ લેવાયેલ પરીક્ષા ના પેપર લીક થયાની ઘટના સામે આવી છે ત્યારે કૌભાંડમાં સામેલ લોકોને ઝડપી લેવા માટે સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગર પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ સક્રિય થઈ ગયા છે. પોલીસ દ્વારા અત્યાર સુધી પેપર લીક કૌભાંડમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. પેપર લીક કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની આશંકા એ પોલીસ મહા નિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડા ગાંધીનગર, એચ.પી.ઝાલા પીઆઈ એલસીબી ગાંધીનગર ની સુચના અને માર્ગદર્શન અન્વયે પીએસઆઈ એ.એ. વછેટા, એ.જી. અનુરકાર, પી.ડી.વાઘેલા, વી.કે રાઠોડ. વાય. વાય. ચૌહાણ ની જુદી જુદી ટેકનિકલ ટીમોના સર્વેલન્સ માં ભાગેડું દેવલ પટેલ તથા જયેશ પટેલ ના સંપર્કમાં આવનારા લોકોની તપાસ હાથ ધરાતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા હાથીજણ ગામના દિપક મહેન્દ્રભાઈ પટેલ ની સંડોવણી સામે આવતા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેની પૂછપરછ દરમિયાન દિપક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નરોડા ખાતે રહેતા મંગેશ શશીકાંત શીરકે પાસેથી મેળવી દેવલ જશવંતભાઈ પટેલ તથા જયેશ ઇશ્વરભાઇ પટેલને 9 લાખ રૂપિયામાં આપ્યું હતું. મંગેશ શશીકાંત શીરકેએ આ પેપર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોરભાઈ કાનદાસ આચાર્ય રહે મણીપુર વડ તા. સાણંદ, જી. અમદાવાદ પાસેથી મેળવ્યું હતું જેઓ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર પ્રિન્ટ કરવા આપવામાં આવ્યા છે ત્યાં સુપરવાઇઝર તરીકે પ્રેસમાં નોકરી કરે છે. ગાંધીનગર એલસીબી એ ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

