HomeGujaratટંકારામાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 3.47 લાખનો મુદ્દામાલ કબજે

ટંકારામાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 3.47 લાખનો મુદ્દામાલ કબજે

ટંકારા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નં. 7માં તા. 16 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરના સમયે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ટંકારા પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીને સોના-ચાંદીના દાગીના તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી સુનીલભાઈ મોહનભાઈ રાઠોડના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર પ્રવેશ કરી લોખંડના કબાટની તિજોરી તોડી રૂ. 2,47,600ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ચોરીના આ અનડીટેક્ટ ગુનાની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા નં. GJ-10-T-8165માં એક શખ્સ ચોરીનો મુદ્દામાલ વેચવા મોરબી તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટંકારા નગરનાકા પાસેથી ધ્રોલના રહેવાસી ગોપાલભાઈ રાયમલભાઈ વાઘેલા (ઉં.વ. 26)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન ગોપાલભાઈએ કથિત રીતે જણાવ્યું હતું કે તેણે પોતાની પત્ની ભાવનાબેન તથા સંબંધી સંજયભાઈ વાઘેલા સાથે મળીને દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને વિવિધ સોસાયટીઓમાં રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા અને તાળું તોડી ચોરી કરી હતી.

પોલીસે આરોપી પાસેથી રૂ. 2,47,600ના ચાંદીના કળા, સાંકળા, લકી, મંગળસૂત્ર તથા સોનાની પાન બુટ્ટી, ઉપરાંત રૂ. 1 લાખની સીએનજી રિક્ષા મળી કુલ રૂ. 3,47,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ કેસમાં ફરાર ભાવનાબેન વાઘેલા અને સંજયભાઈ વાઘેલાને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW