અમદાવાદ, શનિવાર
અદાણી પોર્ટ, ગ્રીન એનર્જી, એરપોર્ટ સંચાલન બાદ કંપની હવે સિમેન્ટનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રા તાલુકાના ટૂંડાવાંઢ ગામ પાસે એક ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપશે. આ અંગે રેગ્યુલેટરી અને પર્યાવરણને લગતી મંજૂરીઓ માટે કંપની ઓક્ટોબરમાં અરજી કરેલી છે.
અદાણી ગ્રુપે સિમેન્ટ પ્રોજેક્ટમાં આવવા માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના નેજા હેઠળ જૂન 2021માં અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની એક કંપની પણ બનાવવાંમા આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી આ સિમેન્ટ પ્રોજેક્ટમાં તબક્કાવાર રૂ. 35,000 કરોડનું રોકાણ કરી શકે છે. કેન્દ્ર સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, નવેમ્બરમાં પર્યાવરણ વિભાગમાં અદાણીની પ્રપોઝલ અંગે ચર્ચા થઈ હતી. જોકે હજુ સુધી આ અંગે કંપની તરફથી કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. કંપનીએ સિમેન્ટ પ્રોજેક્ટ માટે કચ્છના મુન્દ્રામાં 800 એકર જમીન આઇડેન્ટિફાઈ કરી છે. આ જમીન અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની માલિકીના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં આવેલી છે. જમીનને બિન-SEZ જમીન તરીકે ડિ-નોટિફાઈડ કરવામાં આવશે અને વ્યાપારી ધોરણે અદાણી એન્ટરપ્રાઈઝને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

