કરાચી, શનિવાર
પાકિસ્તાનના કરાચીમાં શનિવારે પ્રચંડ વિસ્ફોટ થયો છે. શેરશાહ પારાચા ચોકમાં થયેલા વિસ્ફોટમાં 12ના મોત અને 12 લોકો ગંભીરપણે ઘવાયા છે. કરાચીની શહીદ મોહતરમા બેનઝીર ભુટ્ટો હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પ્રમુખ ડૉ. સાબિર મેમને પાકિસ્તાનના જિયો ન્યૂઝ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે બ્લાસ્ટમાં મરનારાઓની સંખ્યા 12ની થઈ છે. તો ઘાયલોમાંથી ચારની સ્થિતિ બેહદ ગંભીર છે. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રારંભિક રિપોર્ટ્સ પ્રમાણે, આ વિસ્ફોટ વિસ્તારમાં આવેલા એક નાળામાં થયો હતો. જણાવવામાં આવે છે કે વિસ્ફોટના કારણે નજીકમાં આવેલી એક ખાનગી બેન્કના બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે. પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટ એક નાળામાં ગેસ લીકને કારણે થયો છે. ઘટનાનીજાણકારી મળતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવ્યા હતા. પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે આ વિસ્ફોટ નાળાની અંદર જ થયો છે. ઘણાં લોકોએ વિસ્ફોટનું કારણ ટ્રાન્સફર અને અન્ય બાબતોને ગણાવ્યું હતું. હાલ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.
જો કે આગમચેતીના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સની પણ તહેનાતી કરી દેવામાં આવી છે. હાલ વિસ્તારને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તલાશી અભિયાન પૂર્ણ કરાયા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ બ્લાસ્ટના કારણોની તપાસશરૂ કરી શકશે. સિંધ રેન્જર્સે નિવેદનમાં કહ્યુ છે કે શેરશાહ પરાચા ચોક પાસે થયેલા વિસ્ફોટમાં ઘણાં લોકો ઘાયલ થયા છે.
કરાચીને એસએચઓ ઝફર અલી શાહે કહ્યુ છે કે વિસ્ફોટ વિસ્તારની એક ખાનગી બેંકની નીચે આલા નાળામાં થયો છે. તેમણે કહ્યુ છે કે બેન્ક પરિસરને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. જેથી નાળાની સફાઈ કરાવી શકાય શાહે કહ્યુ હતુ કે વિસ્ફોટમાં બેંકની ઈમારત અને તેની નજીકના એક પેટ્રોલ પંપને નુકસાન થયું છે. અધિકારીએ કહ્યુ છે કે એવી આશંકા છે કે ઈમારતની નીચે નાળામાં ગેસ ભરાવાને કારણે વિસ્ફોટ થયો. વિસ્ફોટના ફૂટેજમાં એક ક્ષતિગ્રસ્ત ઈમારત અને જમીન પર પડેલો કાટમાળ દેખાય રહ્યો છે. વિસ્ફોટ સ્થાન પર ક્ષતિગ્રસ્ત વાહનો પણ જોવા મળી શકે છે. લોકો કાટમાળને હટાવવાની કોશિશમાં જોવા મળ્યા હતા. કેટલાક લોકો અંદર દબાયેલા હોવાની પણ આશંકા છે.

