જામનગર, ગુરૂવાર
જામનગરથી નવ નોટિકલ માઈલ દૂર આવેલા અને પ્રાકૃતિક શિક્ષણ માટે જાણીતા મરીન નેશનલ પાર્કના પીરોટન ટાપુ પર જવા પર છેલ્લા 4 વર્ષથી પ્રતિબંધ હતો, જેને રાજ્યના વન વિભાગે ઉઠાવી લીધો છે. આ પ્રતિબંધ હટતા પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. પીરોટન ટાપુ પર માનવ વસાહત નથી. આ ટાપુ પરની આબોહવા, પ્રાકૃતિક જીવસૃષ્ટિ તેમજ એશિયાનું સૌથી વધુ પ્રચલિત પીરોટન ટાપુને સરકારી ગાઇડલાઇન મુજબ ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ લગત સંસ્થાઓને ધ્યાને રાખી ત્યાં જવા પર અને જળસૃષ્ટીનો અભ્યાસ કરવા પર ખુલ્લુ મૂકવાના લેવાયેલા નિર્ણયને હિન્દુસેનાએ આવકાર્યો છે.
ઘણા સમય પહેલા આ ટાપુ પર એક વ્યક્તિની ગેરકાયદે દફનક્રિયા થઈ હોવાનું હિન્દુ સેના દ્વારા જાહેર થતા અને પીરોટન ટાપુ પર થતી અન્ય ગેરકાયદે પ્રવૃત્તિને ખુલ્લી કરાતા સુરક્ષા એજન્સીઓ સાવધ થઈ ગઈ હતી અને એ પછી પીરોટન ટાપુ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. હાલની સ્થિતિને ધ્યાને લઇ પ્રકૃતિપ્રેમીઓ તેમજ જળસૃષ્ટિનું જતન કરવા અને પીરોટન ટાપુને વિકસાવવા સરકાર દ્વારા પગલાં લેવાઇ રહ્યા છે. હિન્દુસેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે કહ્યું હતું કે, જ્યાં માનવ વસાહત નથી તેવા ટાપુને વિકસાવવા અને આગળ લાવવા માટે થઈ રહેલા પ્રયત્નો યોગ્ય છે, પણ સરકારની જે ગાઇડ લાઇન રહેશે તેનો અમલ અચૂક થવો જોઈએ. મરીન નેશનલ પાર્કની ઉમદા કામગીરીને વધાવતા તેમની સાથે સહકાર આપવાની હિન્દુ સેનાની તૈયારી છે. સાથોસાથ ચોક્કસ લોકોની અવરજવર પર ચાંપતી નજર રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ એમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં જો પીરોટન ટાપુ વિકસિત થાય અને જળચર સૃષ્ટિને અભ્યાસના ધોરણે તેમ જ પ્રાકૃતિક શિક્ષણ મેળવવા સરકારનો સહયોગ રહે તો તે આવકાર્ય છે. હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા મરીન નેશનલ પાર્ક ફોરેસ્ટ વિભાગના અધિકારી પ્રતિક જોશીનો સંપર્ક સાધતા જાણવા તેમને એવું જાણવા મળ્યું હતું કે, હજુ સુધી કોઈ લેખિત પરિપત્ર મળ્યો નથી. પરંતુ ત્યાં જવા માટેની પરવાનગી મળશે અને આવતા સમયમાં બધા ડિપાર્ટમેન્ટની સહમતી અને પ્રોસેસ પૂરી કર્યા પછી સરકારી નીતિ નિયમ નક્કી થશે તે રીતે જઈ શકાશે. પરંતુ હાલમાં કોઈ લેખિત પરિપત્ર એમને હજુ સુધી મળ્યો નથી. (તસવીર પ્રતિકાત્મક છે)

