ન્યૂયોર્ક, મંગળવાર
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક પ્રસ્તાવના મુસદ્દાની વિરુદ્ધ સોમવારે મતદાન કર્યું. આ પ્રસ્તાવના ડ્રાફ્ટમાં યુએનએસસીએ જળવાયુ પરિવર્તનને વૈશ્વિક સુરક્ષા પડકાર સાથે જોડવાની વાત કહી હતી. આ પ્રસ્તાવના વિરોધમાં રશિયાએ પણ ભારતને સાથ આપ્યો છે. આ પ્રસ્તાવની વિરુદ્ધ રશિયાએ વીટોનો ઉપયોગ કર્યો અને તેનાથી તે નિષ્પ્રભાવી થઈ ગયો. તો ચીન પણ વોટિંગમાં ગેરહાજર રહ્યું હતું. બીજી તરફ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
ભારતે આ પ્રસ્તાવની સામે કડક વલણ અખત્યાર કરતા ગ્લાસગોમાં થયેલા પર્યાવરણ સંમેલનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે સંમેલનમાં વિકાસશીલ દેશોના હિતોને ધ્યામાં રાખવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ આ પ્રસ્તાવમાં આ વાત નથી. ભારતે કહ્યું હતું કે ન તો આ પ્રસ્તાવની જરૂરત છે અને ન તો તે સ્વીકાર્ય છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ સવાલ કર્યો હતો કે આ મુસદ્દા સંકલ્પથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ જે આપણે યુએનએફસીસીસીની પ્રક્રિયામાં પ્રાપ્ત કરી શક્યા નથી? UNFCCC એટલે યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જમાં 190થી વધારે દેશો સદસ્ય છે. તે દર વર્ષના આખરમાં જળવાયુ પરિવર્તન પર બે સપ્તાહની કોન્ફરન્સ કરે છે.
યુએનએસસીમાં ટી. એસ.તિરુમૂર્તિએ કહ્યુ હતુ કે પર્યાવરણ સુધારા માટે ભારતની મનસાને લઈને કોઈપણ પ્રકારનો ભ્રમ હોવો જોઈએ નહીં. જ્યારે પર્યાવરણ સુધારાની વાત આવે છે, તો ભારત સૌથી આગળ રહે છે. પરંતુ આ વિષય પર ચર્ચા માટે સુરક્ષા પરિષદ યોગ્ય સ્થાન નથી. સાચું કહેવામાં આવે તો આ પ્રસ્તાવ યોગ્ય મંચ પર તેની જવાબદારીથી બચવા માટે અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ આકરા લહેજામાં કહ્યુ હતુ કે આ મોટી વિડંબણા છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના મોટાભાગના સદસ્ય જળવાયુ પરિવર્તન માટે જવાબદાર ઉત્સર્જનમાં મુખ્ય ભાગીદાર છે. જો સુરક્ષા પરિષદ તેને પોતાના અધિકારમાં લે છે, તો કેટલાક દેશોને જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ પર નિર્ણય લેવાની આઝાદી મળી જશે. આ મુસદ્દાની ન તો જરૂરત છે અને ન તે સ્વીકાર્ય છે.
ભારત અને રશિયાની સાથે ચીન પણ શરૂઆતથી આ ડ્રાફ્ટનો વિરોધ કરતું રહ્યું છે. મતદાન દરમિયાન ચીન ગેરહાજર રહ્યું. મુસદ્દાનો વિરોધ કરનારા દેશોનું માનવું છે કે જો સુરક્ષા પરિષદ જળવાયુ પરિવર્તનના મુદ્દા પર દખલ આપશે, તો યુએનએફસીસીસીની પ્રક્રિયા કમજોર થઈ જશે. વિરોધી દેશોનું માનવું છે કે આનાથી વિકસિત દેશ જળવાયુ પરિવર્તનથી જોડાયેલા પોતાના નિર્ણયો મનસ્વી રીતે લઈ શકે છે. તો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા દેશોએ આ મુસદ્દાના ટેકામાં મતદાન કર્યું. મુસદ્દાને આયરેલન્ડ અને નાઈઝીરિયા યુએનમાં લઈને આવ્યા હતા. તેમની માગણી હતી કે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તનને કારણે દુનિયામાં શાંતિને પ્રભાવિત કરનારા કારણો પર વાતચીત કરો.
સંયુક્ત રાષ્ટ્રની ગ્લાસગોમાં આયોજીત જળવાયુ વાટાઘાટોમાં પણ ભારત અને ચીન સાથે આવીને એક પ્રસ્તાવમાં મહત્વપૂર્ણ પરિવર્તન કરાવ્યું હતું. સંમેલનમાં ભારતે વિકાસશીલ દેશોનું નેતૃત્વ કર્યું અને કોલસાના ઉપયોગને સંપૂર્ણપણે સમાપ્ત કરવા તથા જીવાશ્મ ઈંધણથી સબસિડી હટાવવાના પ્રસ્તાવનો આકરો વિરોધ કર્યો હતો. તેમાં ચીને પણ ભારતનો સાથ આપ્યો અને તેના કારણે સંમેલનમાં કોલસાના ઉપયોગને સંપૂર્ણપણે બંધ નહીં કરવા, પણ ઘટાડવા પર સંમતિ બની હતી.

