મહેસાણા,સોમવાર
મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય આશા બહેન પટેલના આજે સિદ્ધપુરમાં અંતિમસંસ્કાર થશે. ઊંઝા APMCથી આજે સવારે આશાબહેન પટેલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.ઊંઝા પથકમાં નીકળનારી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા.અંતિમયાત્રા પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને વતન વિશોળ ગામમાં લઈ જવાશે. ત્યારબાદ સિદ્ધપુરના મુક્તિધામમાં તેમના અગ્નિસંસ્કાર કરાશે. આજે સિદ્ધપુરમાં આશાબેન પટેલની અંતિમવિધિ થનાર છે, જેની તમામ તૈયારીઓ પુરી કરી નાંખવામાં આવી છે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામા આવી છે.
અત્રે નોંધનીય છે કે, ડેંગ્યૂના કારણે તેમનું અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. આશા બહેન પટેલના મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થઈ ગયા હતા અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધનથી ન માત્ર પરિવારમાં પરંતુ કાર્યકર્તાઓ અને ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવદેહના મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના નિધનથી ખાલી ઊંઝાવાસીઓને જ નહીં સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોને તેમની મોટી ખોટ વર્તાશે. ગઈકાલે (રવિવારે) આશાબેનનું નિધન થતાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત ભાજપ-કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ દુ: ખની લાગણી વ્યક્ત કરી આશાબહેન પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

