નવી દિલ્હી, શનિવાર
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ફરીથી કોંગ્રેસ પર વાકપ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ વગર પણ ભારતમાં વિપક્ષ શક્ય છે. પીકેએ કોંગ્રેસને સલાહ આપતા કહ્યુ છે કે જો પાર્ટીને બચવું છે,તો ગાંધી પરિવારથી હારના કોઈ નેતાને લોકશાહી ઢબે અધ્યક્ષ તરીકે ચૂંટે. તેની સાથે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ છે કે એક ટ્વિટ અને કેન્ડલ માર્ચ દ્વારા તમે ભાજપને હરાવી શકશો નહીં.
ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યૂમા પ્રશાંત કિશોરે 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ માટે ભાજપનો મુકાબલો કરવા માટેની પોતાની બ્લૂ પ્રિન્ટ પણ રજૂ કરી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ છે કે દેશની સૌથી જૂની પાર્ટી વગર ભાજપ વિરોધી મોરચો બનવો શક્ય છે.
પ્રશાંત કિશોરે કહ્યુ છે કે 1984 બાદ કોંગ્રેસને એકલાહાથે એકપણ લોકસભા ચૂંટણીમાં જીત મળી નથી. ગત દશ વર્ષમાં કોંગ્રેસને 90 ટકા ચૂંટણીઓમાં હાર મળી છે. કોંગ્રેસ નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ. તેમણે કહ્યુ છે કે મે લગભગ કોંગ્રેસ જોઈન કરી લીધી હતી.
પ્રશાંત કિશોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યુ છે કે તેઓ સૌનું સાંભળે છે. આ તેમની શક્તિ છે. તેમને ખબર છે કે આખરે લોકોને શું જોઈએ. પીકેએ એમ પણ કહ્યુ છે કે આગામી કેટલાક દશકાઓ સુધી ભાજપની આસપાસ જ દેશની રાજનીતિ ફરશે.
મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોર હાલના દિવસોમાં મમતા બેનર્જી માટે ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે. આના પહેલા તેમણે 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે અને આ સિવાય નીતિશ કુમાર, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, એમ. કે. સ્ટાલિન, જગનમોહન રેડ્ડી, અરવિંદ કેજરીવાલ અને કેપ્ટન અમરિન્દરસિંહ માટે પણ ચૂંટણી રણનીતિ બનાવી છે.

