નવી દિલ્હી, સોમવાર
ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે પંજાબ કોંગ્રેસમાં ફરીથી ભડકો શરૂ થયો છે. પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધૂ સામે વિરોધ શરૂ થઈ ગયો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના નેશનલ કોઓર્ડિનેટર અને પંજાબ કોંગ્રેસના પ્રવક્તા પ્રિતપાલસિંહ બલિયાવાલે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધું છે.
તેમણે કહ્યુ છે કે તેઓ પંજાબમાં થઈ રહેલી નોનસેન્સ અને એન્ટી-પાર્ટી તથા એન્ટી-ગવર્નમેન્ટ ટીપ્પણીઓને ડિફેન્ડ કરી શકે નહીં. તેમણે કેપ્ટન અમરિંદરસિંહ અને સુનીલ જાખડના પણ વખાણ કર્યા છે. બલિયાવાલની પાસે હરિયાણા અને હિમાચલ પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રભાર હોવાની સાથે તોએ પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ મીડિયા પેનલિસ્ટ પણ હતા.
બલિયાવાલે સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામામાં લખ્યુ છે કે 15 વર્ષથી તેઓ કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. હવે તમે પંજાબને ખોટા હાથમાં સોંપી દીધું છે. એક પ્રવક્તા તરીકે તેમના માટે પાર્ટી અને સરકાર વિરોધી ટીપ્પણીઓનો બચાવ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. તેમા નવજોતસિંહ સિદ્ધૂના પાકિસ્તાન સાથેના સંબંધ પણ સામેલ છે.
બલિયાવાલે કહ્યુ છે કે કેપ્ટન અમરિંદરસિંહ અને સુનીલ જાખડના નેતૃત્વમાં કોંગ્રેસ 2022માં પંજાબમાં સરકાર બનાવવાને લઈને મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ તમે નવજોતસિંહ સિદ્ધૂને પસંદ કર્યા. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની આગેવાનીમાં સરકાર સારું કામ કરી રહી છે. પરંતુ સિદ્ધૂના દરરોજના ટ્વિટથી પાર્ટીની છબી ખરડાય રહી છે.
બલિયાવાલાએ કહ્યુ છે કે અકાલી સરકારના સમયમાં તેમના પરિવાર પર ખોટા કેસ નોંધાયેલા. તેમનો બિઝનેસ તબાહ થઈ ગયો. તેમ છતાં તેઓ કોંગ્રેસની સાથે ઉભા રહ્યા. તેમણે કહ્યુ છે કે જગદીશ ટાઈટલરને દિલ્હી કોંગ્રેસના સ્થાયી સદસ્ય બનાવવાને કારણે પણ તેઓ આહત થયા છે.

