નવી દિલ્હી, સોમવાર
યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ સોમવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંસદભવનમાં મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મૌર્યએ કહ્યુ છે કે વડાપ્રધાનનો ગરીબ કલ્યાણનો એજન્ડા છે. ગામડાંઓના વિકાસનો એજન્ડા છે.
મૌર્યએ કહ્યુ છે કે ઉત્તરપ્રદેશ સરકારનો પણ પહેલો અને આખરી એજન્ડા ગ્રામ વિકાસ અને ગરીબોના કલ્યાણનો એજન્ડા છે. અમે લોકો ઈચ્છીએ છીએ કે ગરીબોનું કલ્યાણ થાય, તેઓ આગળ વધે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવકને બમણી કરવાની કોશિશ પણ કરી. મથુરા પર પુછવામાં આવેલા સવાલને કેશવ પ્રસાદ મૌર્યએ ટાળતા કહ્યુ હતુ કે અમને આની જાણકારી નથી.
ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે હિંદુત્વની પીચ પર ઉતરવાની તૈયારી કરી લીધી છે. તેના સંકેત ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આપ્યા હતા. મૌર્યએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે અયોધ્યા અને કાશીમાં ભવ્ય મંદિર નિર્માણ ચાલુ છે અને મથુરાની તૈયારી છે. આ ટીપ્પણી બાદ અંદાજો લગાવાય રહ્યો છે કે ભાજપ ફરી એકવાર અયોધ્યા-મથુરા-કાશીના એજન્ડાના સહારે ચૂંટણીની વૈતરણી પાર કરવા ચાહે છે. અયોધ્યા-કાશી-મથુરા શરૂઆતથી જ ભાજપના એજન્ડામાં સામેલ રહ્યા છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ અને શ્રીરામજન્મભૂમિનો વિવાદ રહ્યો હતો અને તેના પર સુપ્રીમ કોર્ટે રામમંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેના પછી અયોધ્યામાં ઝડપથી રામમંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.

