કોહિમા, રવિવાર
ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં શનિવારે રાત્રે ગોળીબારની એક દુઃખદ ઘટના બની હતી. આ પછી રવિવારે અન્ય એક નાગરિકની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગની આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. નાગાલેન્ડના મોન જિલ્લામાં ફાયરિંગની આ ઘટના બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ફાયરિંગની આ ઘટના પાછળના કારણોની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે.
નાગાલેન્ડમાં વધુ એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. નાગાલેન્ડ ફાયરિંગની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક જવાન સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. નાગાલેન્ડના ગૃહ સચિવે આ વાતની પુષ્ટિ કરી છે. આજે સાંજે સોમ શહેરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન આ ઘટના બની હતી. અહીં પ્રદર્શનકારીઓના ટોળાએ તોડફોડ કરી હતી. સોમમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
શનિવારે સાંજે ગ્રામજનો પર ગોળીઓ છોડવામાં આવી હતી
નાગાલેન્ડના ગવર્નર જગદીશ મુખીએ સોમ જિલ્લા હેઠળના ઓટિંગ અને તિરુ ગામો વચ્ચેના સ્થળે 4 ડિસેમ્બરની સાંજે ગ્રામીણો પર ગોળીબાર પર શોક વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે અહીં હુમલામાં માર્યા ગયેલા લોકો મિની ટ્રકમાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. જ્યારે આ લોકો તેમના ઘરે ન પહોંચ્યા તો તેમની શોધખોળ કરવામાં આવી. બાદમાં તેની લાશ મળી આવી હતી. જે બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SIT આ ઘટનાની દરેક એંગલથી તપાસ કરશે. ફાયરિંગની ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તોડફોડની સાથે સુરક્ષા દળોના વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

