નવી દિલ્હી,રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ફરી એક વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ મન કી બાત કાર્યક્રમનો 83મો એપિસોડ હતો. આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ અને મોબાઈલ એપ પર કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી દરેક મહિનાના અંતિમ રવિવારે આ કાર્યક્રમને સંબોધિત કરે છે. વડાપ્રધાને આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી રાજેશ કુમાર પ્રજાપતિ સાથે વાત કરતી વખતે તેના ફાયદાઓ પુછ્યા હતા. પ્રજાપતિએ પોતાને અનેક ફાયદા થયા હોવાનું જણાવ્યું હતું અને પોતે મોદીજીને હંમેશા સત્તામાં જોવા ઈચ્છે છે તેમ કહ્યું હતું. તેના અનુસંધાને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને સત્તામાં જવાના આશીર્વાદ ન આપશો, હું ગરીબોની સેવા માટે છું.
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં સંબોધન કરતા કહ્યું હતું કે બે દિવસ બાદ ડિસેમ્બર શરૂ થઈ રહ્યો છે. ડિસેમ્બર આવતા જ આપણે નવા વર્ષની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. આ બધા પ્રસંગોએ હું દેશના સુરક્ષા દળોને યાદ કરું છું. હંમેશની જેમ આ વખતે પણ મને નમો એપ પર તમારા બધા તરફથી ઘણા બધા સૂચનો મળ્યા છે. તમે બધાએ મને પોતાનો માનતા સુખ-દુઃખ પણ શેર કર્યું છે. મને ખુશી છે કે મન કી બાત દ્વારા તમે બધા મનથી જોડાઈ રહ્યાં છો, તે સકારાત્મકતા પણ પ્રસરી રહી છે. ડિસેમ્બર મહિનામાં દેશ નૌસેના દિવસ અને સશસ્ત્ર સેના ઝંડા દિવસ પણ ઉજવે છે. વડાપ્રધાને કહ્યું કે, આપણને સૌને ખબર છે કે 16 ડિસેમ્બરના રોજ દેશ 1971ના યુદ્ધની સ્વર્ણિમ જયંતિનું વર્ષ પણ ઉજવશે. અમૃત મહોત્સવ શીખવાની સાથે જ આપણને દેશ માટે કશુંક કરવાની પ્રેરણા આપે છે. હવે તો દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને સંસદ સુધી અમૃત મહોત્સવની ગૂંજ છે અને આ મહોત્સવ સાથે સંકળાયેલા કાર્યક્રમોનો સિલસિલો લગાતાર ચાલુ જ છે. આઝાદી દરમિયાન આપણા જનજાતિય સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને દેશે જનજાતિય ગૌરવ સપ્તાહ પણ ઉજવ્યો. દેશના વિવિધ વિસ્તારોમાં તેના સાથે સંકળાયેલા કાર્યક્રમો પણ થયા. આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં જારવા અને ઓંગે જેવા જનજાતિય સમુદાયના લોકોએ પોતાની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, એવું કહેવામાં આવે છે કે, તે ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આપણા સંતોએ પણ કહ્યું છે કે, યહ આશા ધરી ચિત્ત મેં, કહત જથા મતિ મોર. વૃંદાવન સુખ રંગ કૌ, વૃંદાવન સુખ રંગ કૌ, કાહુ ન પાયૌ ઔર.
વડાપ્રધાને કહ્યું કે, આપણે પ્રકૃતિનું જતન કરીએ છીએ ત્યારે કુદરત પણ આપણું રક્ષણ કરે છે. આ ઉદાહરણ તમિલનાડુના તુતુગુડીનું છે. અહીંના ઘણા વિસ્તારોના દરિયામાં ડૂબી જવાનો ભય રહેતો હતો. લોકો તેનો પ્રકૃતિ દ્વારા જ ઉપાય શોધ્યો. લોકોએ એવા ખાસ પ્રકારના છોડ લગાવ્યા, જે વાવાઝોડું અને પૂરમાં પણ ટકી રહે છે. આવા જ પ્રયાસો અન્ય જગ્યાએ પણ કરવામાં આવી રહ્યા છે. સ્ટાર્ટઅપની દુનિયામાં ભારત આજે વિશ્વમાં એક પ્રકારનું નેતૃત્વ કરી રહ્યું છે. દર વર્ષે સ્ટાર્ટઅપને રેકોર્ડ સમાન રોકાણ મળી રહ્યું છે. આ ક્ષેત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના દરેક નાના નાના શહેરોમાં પણ સ્ટાર્ટઅપની પહોંચ વધી છે. તે સિવાય વડાપ્રધાને 6 ડિસેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ યાદ આવી રહી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

