નવી દિલ્હી, શનિવાર
નીતિ પંચે તાજેતરમાં ફર્સ્ટ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ જાહેર કર્યો છે. તેના પ્રમાણે, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ ભારતના સૌથી ગરીબ રાજ્યો તરીકે ઉભર્યા છે. એટલું જ નહીં, પંચના આ રિપોર્ટમાં કેરળ, ગોવા, સિક્કીમને સૌથી ઓછી ગરીબીવાળા રાજ્ય ગણાવવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગરીબીનું પ્રમાણ 18 ટકા નોધાયું છે અને દેશમાં ગરીબીની દ્રષ્ટીએ 13 સ્થાન પર છે.

રિપોર્ટ પ્રમાણે, બિહારમાં 51.91 ટકા જનતા ગરીબ છે. ઝારખંડમાં 42.19 ટકા, યુપીમાં 37.79 ટકા વસ્તી ગરીબ છે. આ યાદીમાં ચોથા ક્રમાંકે મધ્યપ્રદેશ આવે છે. મધ્યપ્રદેશમાં 36.65 ટકા વસ્તી ગરીબ છે. આ યાદીમાં મિઝોરમ 32.67 ટકા ગરીબ વસ્તી છે અને તે આ યાદીમાં પાંચમા સ્થાને છે. નીતિ પંચના એમપીઆઈ પ્રમાણે, કેરળમાં માત્ર 0.71 ટકા વસ્તી ગરીબ છે. તો ગોવામાં 3.76 ટકા અને સિક્કીમમાં 3.82 ટકા ગરીબ વસ્તી છે. જ્યારે તમિલનાડુમાં માત્ર 4.89 ટકા ગરીબ વસ્તી છે. આ રાજ્યો દેશના સૌથી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો છે.
તો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ, તો દાદરાનગર હવેલી 27.36 ટકા, જમ્મુ-કાશ્મીર અને લડાખ 12.58 ટકા, દમન-દીવ 6.82 ટકા અને ચંદીગઢ 5.97 ટકા ગરીબ વસ્તી સાથે સૌથી વધુ ગરીબ કેન્દ્રશાસિત પ્રદેશો છે. પુડ્ડુચેરીમાં માત્ર 1.72 ટકા, લક્ષદ્વીપમાં 1.82 ટકા, અંદમાન-નિકોબારમાં 4.30 ટકા અને દિલ્હીમાં 4.79 ટકા વસ્તી ગરીબ છે. બિહારમાં કુપોષિત લોકોની સંખ્યા સૌથી વધુ છે. તેના પછી ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢનો ક્રમાંક આવે છે. તો આરોગ્ય, શિક્ષણ, સ્કૂલોમાં ઉપસ્થિતિ અને ભોજન બનાવવા માટેના ઈંધણ અને વીજળીથી વંચિત વસ્તીની વાત કરીએ તો આમા પણ બિહારનું પ્રદર્શન સૌથી વધુ ખરાબ છે. ઉત્તરપ્રદેશ બાળ અને કિશોર મૃત્યુદર શ્રેણીમાં સૌથી નીચલા સ્થાને છે. તેના પછી બિહાર, મધ્યપ્રદેશ અને ઝારખંડનો ક્રમાંક આવે છે. જ્યારે સ્વચ્છતાથી વંચિત વસ્તીની વાત આવે છે, તો તેમા પણ બિહાર અને ઓડિશા સૌથી આગળ છે.

