નવી દિલ્હી, શનિવાર
અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલના મામલામાં તિહાડ જેલમાં બંધ કથિત વચેટિયો રહેલો ખ્રિશ્ચિયન મિશેલ ગુરુવારથી ભોજન લઈ રહ્યો નથી. ક્રિશ્ચિયન મિશેલના સ્વાસ્થ્ય પર નજર રખાય રહી છે. અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ડીલ ગોટાળામાં આરોપી ક્રિશ્ચિયન મિશેલ પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તેને દુબઈથી પ્રત્યાર્પિત કરીને ભારત લવાયો છે.
મિશેલની ઈડીએ 22 ડિસેમ્બર, 2018ના રોજ ધરપકડ કરી હતી. તેને ઈડીના મામલામાં 5 જાન્યુઆરી, 2019ના રોજ જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તેને ગોટાળાના સંદર્ભે સીબીઆઈના મામલામાં પણ જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દુબઈમાં એરેસ્ટ થયા બાદ મિશેલને 4 ડિસેમ્બર, 2018ના રોજ ભારતને પ્રત્યાર્પિત કરીને અહીં લવાયો હતો. તેના બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરાયો અને સીબીઆઈને તેની કસ્ટડી આપીને પૂછપરછની મંજૂરી અપાય હતી. તો તેના પછી મિશેલની ઈડીએ 22 ડિસેમ્બર, 2018ના રોજ ધરપકડ કરી હતી.
ક્રિશ્ચેયન મિશેલના વકીલઓએ સીબીઆઈ અને ઈડી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. વકીલોએ કહ્યુ હતુ કે ક્રિશ્ચિયન મિશેલને સંપૂર્ણપણે કાઉન્સેલર એક્સેસ મળી રહ્યો નથી. વકીલોનું કહેવું હતું કે તિહાડ જેલ પરિસરમાં રહેલા ઈડી અને સીબીઆઈના અધિકારી દખલગીરી કરવાની કોશિશ કરે છે. યુપીએ સરકારે ફેબ્રુઆરી-2010માં 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદી માટે અગસ્તા વેસ્ટલેન્ડ સાથે લગભગ 3600 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. અગસ્તા વેસ્ટલેન્ડની પેરેન્ટ કંપની Finmeccanica હતી અને તે હવે Leonardo Spa બની ગઈ છે. તેમા ઈટાલીની તપાસ એજન્સીએ 2012માં 360 કરોડ રૂપિયાના કમિશનની ચુકવણીનો આરોપ લગાવ્યો હતો.
આરોપ લગાવાયો હતો કે કંપનીએ ટેન્ડર મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી. મામલો આગળ વધ્યા બાદ સરકારે કંપની સાથે ડીલ રદ્દ કરી દીધી. ફેબ્રુઆરી, 2013માં તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ગત વર્ષ સપ્ટેમ્બરમાં સીબીઆઈએ આ મામલામાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમા તત્કાલિન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એસ. પી. ત્યાગી( રિટાયર્ડ)ને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

