રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરીથી પાટીદાર પાવર ચાલી શકે છે. લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા કાગવડ સ્થિત ખોડલધામને ૨૧મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને તે સંદર્ભે ભવ્ય માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ જાેવામાં આવી રહી છે. જાે રાજ્યમાં કોરોનાના કેસ નહી વધે તો ભવ્ય સંમેલન યોજાશે અને કેસમાં વધારો થશે તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે આયોજન કરવામાં આવશે. ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજનું આ સૌથી મોટું સંમેલન હશે અને જાે તેમાં વડા પ્રધાન મોદી હાજર રહેશે તો દેખીતી રીતે ભાજપને સીધો ફાયદો થશે તેવું ગણિત લગાવવામાં આવી રહ્યું છે.
કાગવડ સ્થિત ખોડલધામને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને તે સંદર્ભે ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું છે. ખોડલધામના નરેશ પટેલે તૈયારીઓ આરંભી છે અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહીતના વિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યો છે. પાટીદાર સમાજને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવવામાં આવી રહી છે. એક સપ્તાહ પછી ખોડલધામ કમિટીની બેઠક મળશે અને તેમાં આ કાર્યક્રમની મંજૂરી ઉપર મહોર મારવામાં આવશે. ખોડલધામના ટ્રસ્ટીઓ દિલ્હી જશે અને વડા પ્રધાનને મળશે અને કાર્યક્રમ અંગે માહિતગાર કરશે. આ કાર્યક્રમમાં પાટીદાર મંત્રીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નરેશ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ વચ્ચે બેઠક યોજાઈ હતી.

પણ અનેક સવાલો ઊઠી રહ્યા હતા. જાે કે, આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, પાટીદાર સામે થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે વાત થઈ હતી. રાજ્યમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પાટીદાર સમાજના સાથ વિના ભાજપને સત્તા મળવી મુશ્કેલ છે. તત્કાલિન રૂપાણી સરકાર સામે પાટીદાર સમાજ નારાજ ચાલી રહ્યો હતો અને એ નારાજગીને દૂર કરવા માટે તાકીદે પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાવવામાં આવ્યા હતા. રાજ્યની એકાવન બેઠકો ઉપર પાટીદાર પાવર ચાલી રહ્યો છે એટલે પાટીદાર સમાજની નારાજગી વ્હોરવી ભાજપને પાલવે એમ નથી. પાટીદાર સમાજના આ વિરાટ સંમેલનમાં વડા પ્રધાન મોદી હાજર રહેશે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લાભ થઈ શકે છે.