ગાંધીનગર,ગુરૂવાર
ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે મિશન શરૂ કરી દીધું છે અને હવે ટિકીટ માટે ગુપ્તચરો પણ કામે લગાડી દેવામાં આવ્યા છે. વિધાનસભા બેઠક ઉપર વર્તમાન સ્થિતિ શું ચાલી રહી છે તેમજ કયા સમીકરણો આકાર પામી રહ્યા છે તે વિશેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે. વિધાનસભા બેઠક દીઠ છ-છ ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવનાર છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યના 33 જિલ્લાઓમાં ભાજપ સરકારના મંત્રીઓના પ્રવાસ વધી ચૂક્યા છે. જે ગવાહી પૂરે છે કે, ભાજપ તમામ વિધાનસભા બેઠકોને ગંભીરતાથી લઈ રહ્યો છે અને તમામે તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખી રહ્યો છે.
ગુજરાતની વિધાસનભાની ચૂંટણીને લઈ ભાજપ ફૂલ એક્શન મોડમાં આવી ચૂક્યો છે. નવા વર્ષના સ્નેહ મિલન સમારંભો યોજીને શક્તિ પ્રદર્શન કરવાની સાથે-સાથે વિરોધી પાર્ટીઓને સંદેશો આપી રહ્યો છે કે, અમે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીની ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે અને હવે ભાજપ દ્વારા દરેક વિધાનસભા બેઠક માટે ગુપ્તચરો કામે લગાડી દેવામાં આવ્યા છે. વિધાનસભા બેઠક ઉપર કયા સમીકરણો આકાર પામી રહ્યા છે. વર્તમાન સ્થિતિ શું છે અને કઈ સ્થિતિ નિર્માણ પામી શકે છે. વર્તમાન ધારાસભ્ય કેટલા લોકપ્રિય છે અને લોકોની વચ્ચે રહ્યા છે, લોકોના કામ કર્યા છે અને લોકો તેમના વિશે શું કહે છે તે સંદર્ભનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે. જે દાવેદારો ટિકીટની માગણી કરી રહ્યા છે તેમનું બેક ગ્રાઉન્ડ શું છે અને તેમની લાયકાત શું છે તે વિશે પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તદ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક માટે છ-છ ઉમેદવારોની પેનલ બનાવાવમાં આવી રહી છે અને તેમાં સૌથી વધારે લોકપ્રિય નેતા હશે તેના માપદંડોના આધારે ટિકીટની ફાળવણી કરવામાં આવશે. ભાજપ દ્વારા આઈબીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગામડાઓમાં કેવો માહોલ છે તેનો ક્યાશ કાઢવામાં આવી રહ્યો છે. ભાજપ વિધાનસભાની ચૂંટણીને ગંભીરતાથી લઈ રહ્યો છે અને તમામે તમામ 182 બેઠકો જીતવા માટે આગળ વધી રહ્યો છે.