HomeGujaratવ્યાજખોરોનો આતંક: મોરબીમાં 30 ટકા સુધીનું વ્યાજ વસૂલતા નરાધમોના ત્રાસથી કંટાળી વૃદ્ધે...

વ્યાજખોરોનો આતંક: મોરબીમાં 30 ટકા સુધીનું વ્યાજ વસૂલતા નરાધમોના ત્રાસથી કંટાળી વૃદ્ધે જીવન ટૂંકાવ્યું, સાત શખ્સો સામે ફરિયાદ

મોરબીના આલાપ રોડ વિસ્તારમાં આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા તથા “મોમ્સ હોટલ” ચલાવતા નિરવભાઈ અશ્વિનભાઈ બોપલીયાના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલીયાએ ગત તા. 23 એપ્રિલે પોતાના નિવાસસ્થાને બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ પાછળ વ્યાજખોરોના સતત દબાણને જવાબદાર ગણાવી મૃતકના પુત્ર નિરવભાઈ બોપલીયાએ સાત વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ વર્ષ 2019 દરમિયાન ધંધામાં નાણાકીય જરૂરિયાત ઊભી થતા પિતા-પુત્રએ મોરબી અને રાજકોટના અલગ અલગ વ્યાજખોરો પાસેથી 4 ટકાથી લઈ 30 ટકા સુધીના ભારે વ્યાજે કુલ રૂ. 37.50 લાખની રકમ ઉછીની લીધી હતી. અત્યાર સુધીમાં રૂ. 75.40 લાખ જેટલી રકમ પરત ચૂકવી દેવા છતાં આરોપીઓ સતત ઉઘરાણી, ધમકીઓ અને માનસિક દબાણ કરતા રહેતા હોવાથી અશ્વિનભાઈ ભારે તણાવમાં આવી ગયા હતા અને અંતે કંટાળી આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ મામલે પોલીસે નિરવભાઈની ફરિયાદના આધારે ઇમરાનભાઈ ગુલામભાઈ માડકીયા (મોરબી), અજયભાઈ ભટ્ટ (વાઘપરા, મોરબી), ગીરીરાજસિંહ ગોહીલ (રાજકોટ), ભરત રબારી (થોરાળા, મોરબી), અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ (ન્યુ હાઉસીંગ બોર્ડ, મોરબી), વિપુલ જેસંગભાઈ રાઠોડ (નવલખી રોડ, મોરબી) અને કિશનભાઈ રબારી (મૂળ મકનસર) વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ તેમજ વ્યક્તિને આત્મહત્યાને પ્રેરિત કરવા સંબંધિત બીએનએસ કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે તપાસ દરમિયાન આરોપી કિશનભાઈ મનુભાઈ રાઠોડ, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઈ રાઠોડ તથા ગીરીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ગોહીલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, મૃતક અશ્વિનભાઈએ ઇમરાનભાઈ પાસેથી રૂ. 12.50 લાખ 4 ટકા વ્યાજે લઈ અંદાજે રૂ. 50 લાખ ચૂકવી દીધા હોવા છતાં મકાનનું સોદાખત કરાવવા મજબૂર કરાયા હતા. અજય ભટ્ટ અને ગીરીરાજસિંહ પાસેથી રૂ. 22 લાખ 5 ટકા વ્યાજે લઈ રૂ. 18 લાખ ચૂકવાયા હતા. ભરત રબારી પાસેથી રૂ. 1 લાખ 20 ટકા વ્યાજે લીધા બાદ કોરા ચેક લેવાયા હતા. વિપુલ રાઠોડ પાસેથી રૂ. 1.50 લાખ 30 ટકા વ્યાજે લઈ વધુ રકમ વસૂલાઈ અને મોબાઈલ પણ પડાવી લેવાયો હતો. તેમજ કિશન રબારી પાસેથી રૂ. 50 હજાર રોજના રૂ. 800 વ્યાજે લઈ આરોપીએ રૂ. 10 લાખનું લખાણ કરાવી કોરા ચેક મેળવ્યા હતા.

વ્યાજખોરોને મુદલ અને વ્યાજ ચૂકવવા મૃતકે બગથળા ગામની 11 વિઘા જમીન, સોના-ચાંદીના દાગીના તેમજ બેંક બચત પણ વેચી નાખી હોવા છતાં આરોપીઓનો ત્રાસ યથાવત રહ્યો હતો. સતત માનસિક દબાણથી કંટાળીને અંતે અશ્વિનભાઈ બોપલીયાએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW