અરબી સુમદ્રમાં ફરી લો પ્રેશરને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે. એક અઠવાડિયા પહેલા સતત ત્રણ દિવસ સુધી શિયાળું સીઝનમાં અષાઢી માહોલ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. દરિયાકિનારા તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે કરેલી એક આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાના એંઘાણ છે.
આવનારા દિવસોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે એમ છે. આવનારા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન ગગડતા ઠંડીનું પ્રમાણ વધશે. અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી પડી રહી છે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ થતા લોકો ગરમ કપડાંમાં જોવા મળી રહ્યા છે. વહેલી સવાકે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આવનારા બે દિવસમાં પવનની દિશા બદલશે. જેના કારણે ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં તથા પશ્ચિમ પ્રાંતમાં પાછા ફરતા મૌસમી પવનો ઠંડા હોય છે. જેના કારણે તાપમાન ઘટે છે. દરિયા પરથી આવતા પવનોની ગતિમાં વધારો થશે.

માત્ર દક્ષિણ ગુજરાત સિવાય ખાસ ક્યાંય વરસાદની આગાહી નથી. આવનારા ત્રણ દિવસમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી થવાની પૂરી શક્યતાઓ છે. દરેક મહાનગર સહિત નાના શહેરમાંથી પણ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થાય એમ છે. જેથી આવનારા દિવસોમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં થોડા દિવસ પહેલા થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે કૃષિમંત્રી રાધવજી પટેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ બેઠક યોજશે. પાક નુકસાની અંગે સર્વે કરવા મુદ્દે ચર્ચા વિચારણા પણ કરાશે.

આવનારા દિવસોમાં દિવસ કરતા રાત વધારે ઠંડી રહેવાની છે. હિમાલયમાં થયેલી હિમવર્ષાની અસર વર્તાય એવી પૂરી શક્યતાઓ છે. કાશ્મીરમાં શિતલહેરની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલના વિસ્તારમાં મોટાપાયે હિમવર્ષા થવાને કારણે કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. શ્રીનગરમાં સોમવારે પારો માઈનસ 2.3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. દેશના હવામાન ખાતાએ એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆતનું આ સૌથી નીચું તાપમાન છે. સોમવારે કાશ્મીરના શ્રીનગરમાં સૌથી વધારે ઠંડી અનુભવાઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીરમાં સતત ગગડી રહેલા તાપમાન સતત ઘટી રહ્યું છે. તેથી ઉત્તર ભારત સહિત પશ્ચિમના રાજ્યમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે.