મેરેજ સીઝન ચાલી રહી છે. ઘણા એવા પરિવારો હશે જેઓ નવા વરવધૂને કંઈક ગિફ્ટ આપવા માટે મુંઝવણ અનુભવતા હશે. આ માટે શહેરની જાણીતી ગિફ્ટ શોપમાં પણ ધક્કા ખાઈને આવ્યા હશે. પણ ઘણા લોકો કોઈને કામ આવે એવી વસ્તુઓ ગિફ્ટ આપીને યાદગીરી આપવા માગતા હોય છે. અહીં એક મુંઝવણ દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

તમે તમારી ફ્રેન્ડને સારી મેકઅપ પેલેટ ગિફ્ટ કરી શકો છો. જેમાં હાઈ ઈમ્પેક્ટ આઈશેડો સાથે બ્લશ, કોન્ટૂર, હાઈલાઈટરનો સમાવેશ થાય છે. મેકઅપ કરતી વખતે આ ત્રણ વસ્તુઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા મિત્રના મેકઅપ વેનિટીમાં પણ ખાસ સ્થાન રાખશે. આ ઉપરાંત તે ટુરમાં જશે તો પણ સરળતાથી કેરી કરી શકશે. તમે મિસ ક્લેરી, સુગર, સ્વિસ બ્યુટી વગેરે જેવી બ્રાન્ડ્સમાંથી મેકઅપ ઉત્પાદનો શોધી શકો છો. તમે તમારા બજેટ અનુસાર શ્રેષ્ઠ બ્રાન્ડ પસંદ કરી શકો છો.

આ સિવાય તમે દુલ્હનને પૂજાની થાળી ગિફ્ટમાં આપી શકો છો. આ માટે નાની એવી થાળી પણ ડેકોરેટ કરી શકાય છે. આ માટે નાની થાળીને બહારથી ડેકોરેટ પણ કરાવી શકો છો. આ દરેકના બજેટમાં પણ પડશે અને લેનારને પણ ગમશે. પૂજાઘરમાં એનું સ્થાન કાયમ રહેશે. આ ઉપરાંત જ્યારે પણ પૂજાઘર સાફ કરશે ત્યારે તમને યાદ પણ કરશે. હેન્ડીક્રાફ્ટની આઈટમના પ્રેમી હશે તો અવશ્ય આ વસ્તુ એને ગમશે અને કાયમી ધોરણે એ યાદગીરી રહેશે. યુનિક પણ લાગશે અને તમારી ક્રિએટિવિટીના પણ વખાણ થશે.

માત્ર દુલ્હન જ નહીં પરંતુ કોઈપણ છોકરી નેલ પેઈન્ટ લગાવવાનું પસંદ કરે છે. જો તમારી દુલ્હન નેલ આર્ટની શોખીન છે, તો તમે તેને નેલ આર્ટ કિટ પણ ગિફ્ટ કરી શકો છો. તમે નેઇલ પોલીશ કોમ્બો ઓનલાઈન પણ ખરીદી શકો છો અને બ્રાઈડમેઈડ્સને તમામ પ્રકારના વાઈબ્રન્ટ અને પેસ્ટલ રંગો ભેટમાં આપી શકાય છે. તમે રૂ.800 થી શરૂ થતા નેલ આર્ટ પેલેટ ખરીદી શકો છો.

બ્રાન્ડેડ મેકઅપ બ્રશનો સેટ ભેટમાં આપી શકાય છે. દરેક મેકઅપ પ્રોડક્ટ માટે અલગ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે, જે એપ્લિકેશનને સરળ બનાવે છે. બ્લશ અને આઇ શેડો લગાવવા માટે ફાઉન્ડેશન લગાવવા માટે અલગ-અલગ બ્રશ છે. જો તમે તમારા મિત્રને આ ભેટ આપો છો, તો તેમને તે ખૂબ જ ગમશે અને તે ઘણા વર્ષો સુધી તેમના માટે ઉપયોગી થશે. તમે તેમને સુગર, હુડા બ્યુટી, મેક અને બ્રોન્સન જેવી બ્રાન્ડના બ્રશ સેટ ભેટમાં આપી શકો છો.

આ સિવાય ઘરની કોઈ વ્યક્તિના લગ્ન હોય તો ફોટોમગ અને ઈલેક્ટ્રિક ફ્રેમ ડીઝાઈન કરાવી શકાય. પણ બહું મોટી ફ્રેમ અને લાર્જ વસ્તુ જગ્યા રોકશે. નાની એવી ફ્રેમ્સ અને ટેબલ પર રાખી શકાય એવી વસ્તુઓ ઉપયોગી સાબિત થાય. આ ઉપરાંત પ્રવાસ પ્રેમી કપલ હોય તો રકસેક બેગ, ટ્રેકસેટ, બ્રાંડેડ બેગ આપી શકાય. આ સિવાય અંગત મિત્ર કે વ્યક્તિ હોય તો એને ટુર પેકેજની ગિફ્ટ પણ આપી શકાય. પણ આ માટે પહેલાથી કપલની રજા અંગે જાણી લેવું. મેરેજ બાદ રજાનો ગાળો થોડો લાંબો હોય તો ટુર પેકેજ આપી શકાય. આ માટે સ્ટે અને ટ્રાવેલિંગ ટિકિટ એડવાન્સમાં બુક કરાવીએ તો સસ્તુ પડે. પણ ડેસ્ટિનેશન પર હરવાફરવા માટે શું પે કરવું પડે એની ચર્ચા કરી લેવી.
