આમ તો ગોવા મોટાભાગના ગુજરાતીઓનું ફરવા માટેનું ફેવરીટ ડેસ્ટિનેશન છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, ગોવામાં ખ્રિસ્તી પરિવારનો સંખ્યા મોટી છે. પણ એવું નથી. ગોવાના નવ જિલ્લાઓમાં ગુજરાતી પરિવારનો વસવાટ છે. રવિવારે ગોવાના પાટનગર પણજીમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાત કરી રહ્યા છે. દર વર્ષે ગુજરાતથી ગોવામાં 15 લાખ પ્રવાસીઓ રજામાં મોજ કરવા માટે આવે છે. ગોવામાં 6800થી વધારે ગુજરાતીઓ વસે છે. તેમણો પોર્ટુગીઝના શાસનથી અહીં આવીને વસવાટ શરૂ કર્યો હતો.

દમણ અને દીવને કારણે ગોવાના સંબંધો વધારે મજબુત થયા હતા. ગુજરાત બાદ ગુજરાતી પરિવારોએ ગોવાને પોતાનું બીજુ ઘર બનાવી દીધું છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ગોવાના નારવામાં ગુજરાતી પરિવારે લક્ષ્મીનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. ગોવા ગુજરાતી સમાજના પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું કે, નારવામાં જાણીતું સપ્તકોટેશ્વર મંદિર આવેલું છે. નજીકમાં જ લક્ષ્મીનારાણયનું મંદિર છે. આ માટે જમીન અને ફંડ ગુજરાતીઓ તરફથી મળ્યું હતું. વર્ષ 1650માં શેઠ સાગરજીના હસ્તે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરનો વહીવટ અને સંચાલન ગોવામાં વસતા ગુજરાતીઓ કરે છે.

ગોવામાં ગુજરાતી પરિવારો મોટાભાગે મારગા અને પણજીમાં વસવાટ કરે છે. વાસ્કો અને માપુસાના વિસ્તારમાં તેઓ રહે છે. અહીં નોકરી કરતો ગુજરાતી ભાગ્યે જ જોવા મળશે. અહીં વૈષ્ણવ અને જૈન સમાજની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ખોજા, વ્હોરા સમાજના લોકો પણ છે. ગોવામાં પણ નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
