રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. આવનારા સમયમાં ભેજનું પ્રમાણ વધશે. જ્યારે સામાન્ય વરસાદ ખેડૂતની ચિંતા વધારી શકે છે. મહાનગર અમદાવાદમાં પણ પવનની ગતિમાં વધારો થયો છે. વાતાવરણ પણ સાંજે ધૂંધળું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વહેલી સવારે થોડું ધુમ્મસ જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલે પણ એવું અનુમાન કર્યું છે કે, આવનારા મહિનામાં હવામાન પલટાશે. ખાસ કરીને જીરૂ, કપાસ, ઘઉં, રાયડો, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે.

જ્યારે પવનની ગતિમાં પણ વધારો થશે. તા. 18 અને 19 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ થાય એવી સંભાવના છે. ખાસ કરીને સુરત, વાપી, વલસાડ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, વેરાવળ મધ્ય ગુજરાતના આણંદ, દાહોદ, પંચમહાલ જિલ્લમાં 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. મંગળવાર રાતથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતા હવે માવઠાના એંઘાણ વર્તાય રહ્યા છે. માવઠાને કારણે શિયાળું પાકને મોટું નુકસાન થઈ શકે છે. વરસાદી માહોલને કારણે ખેડૂતોને પોતાના પાકની ચિંતા થવા લાગી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. વહેલી સવારે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે તાપમાન ગગડ્યું છે.

બુધવારે સવારે હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે આવનારા ચાર દિવસો સુધી આવું ભેજવાળું હવામાન યથાવત રહે એવી શકયતાઓ છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે સામાન્ય વરસાદ પણ થશે.
દિવસે દિવસે શિયાળું માહોલ જામી રહ્યો છે. દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે. નલિયામાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. મહાનગર જ નહીં અન્ય શહેરના તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયે તાપ લાગવાને કારણે ગરમી થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં જાણે શિયાળાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ હોય એવું અનુભવાઈ રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ડીસેમ્બર મહિનામાં હાડ થિજાવડી ઠંડી પડવાના એંઘાણ છે.