HomeGujaratજમીન માપણીનો વિવાદ લોહીયાળ બન્યો: ટંકારાના મેઘપર ઝાલા ગામે કાકા-ભત્રીજાની ઘાતકી હત્યા

જમીન માપણીનો વિવાદ લોહીયાળ બન્યો: ટંકારાના મેઘપર ઝાલા ગામે કાકા-ભત્રીજાની ઘાતકી હત્યા

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં જમીન માપણીની સાધારણ તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતાં બેવડી હત્યા (ડબલ મર્ડર)ની સનસનીખેજ ઘટના સામે આવી છે. ક્ષુલ્લક બાબતમાં શરૂ થયેલા વિવાદમાં કાકા અને ભત્રીજાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે.

લોહીયાળ ઘટનાની મળતી વિગતો અનુસાર, મેઘપર ઝાલા ગામની સીમમાં આવેલી વાડીએ જમીન માપણીને લઈને લાંબા સમયથી ચાલી આવતા વિવાદે ગઈકાલે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. સામસામે આવી ગયેલા જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો અને હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (કાકા) અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા ગંભીર રીતે ઘવાયા હતા. હુમલો એટલો ઘાતકી હતો કે બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

હત્યાના આ બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ક્ષત્રિય સમાજ સહિત સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતાને જોતા વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટંકારા પોલીસે મેઘપર ઝાલા ગામ તેમજ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW