મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા અંદાજે ૧૨ થી ૧૫ દિવસથી પીવાના પાણીનું વિતરણ તદ્દન બંધ હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. ભરઉનાળે સર્જાયેલી આ જળટોકટી અંગે સ્થાનિક સામાજિક અગ્રણી મુકેશભાઈ ગામી દ્વારા મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મહેન્દ્રનગર વિસ્તારમાં લાંબા સમયથી પાણી ન આવવાને કારણે સ્થાનિક રહીશોને પીવાના પાણી તેમજ રોજિંદા વપરાશના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ઉનાળાની ઋતુ હોવાથી અને તાપમાનનો પારો ઊંચો રહેતો હોવાથી પાણીની જરૂરિયાત ખૂબ વધારે રહે છે. આવા સમયે જ તંત્ર દ્વારા પાણી પુરવઠો બંધ કરી દેવાતા નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને અસંતોષ વ્યાપ્યો છે.
પાણીની તંગીના કારણે સૌથી વધુ માઠી અસર ઘરમાં રહેતા વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો પર પડી રહી છે. ગૃહિણીઓને પાણી મેળવવા માટે આમતેમ ભટકવું પડે છે અથવા તો આર્થિક બોજ વેઠીને ખાનગી ટેન્કરો મંગાવવાની નોબત આવી છે. સ્થાનિક અગ્રણી મુકેશભાઈ ગામીએ તંત્રને તાકીદ કરતા જણાવ્યું છે કે, મહેન્દ્રનગર વિસ્તારમાં આટલા દિવસોથી પાણી વિતરણ શા માટે બંધ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે અત્રેનો પાણી પુરવઠો પુનઃ શરૂ કરાવવામાં આવે. આ સાથે જ ભવિષ્યમાં ભરઉનાળે આવી ગંભીર સમસ્યા ફરી ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય અને આગોતરૂ આયોજન કરવામાં આવે તેવી પણ જોરદાર માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેટલી ઝડપે હકારાત્મક પગલાં ભરે છે.

