મોરબી મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણી શનાળા વિસ્તારમાં આવેલી પટેલ સમાજ વાડી ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેયર ઉત્તમ સુરાણી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ જાળવવા માટે નાગરિકોને અપીલ કરી હતી. મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં અર્બન ફોરેસ્ટ યોજના હેઠળ અંદાજે 2.5 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભડિયાદ ખાતે 6.5 એકર વિસ્તારમાં પાંચ મિયાવાકી ફોરેસ્ટ વિકસાવવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં વૃક્ષારોપણ પૂર્ણ કરવાની સાથે ત્રણ વર્ષ સુધી તેની જાળવણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ યોજના દ્વારા મોરબીને હરિયાળું શહેર અને વિશાળ ઓક્સિજન પાર્ક આપવાનો હેતુ છે.

