છેલ્લા ત્રણ મહિનાથી મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાએ આવનારા દિવસોમાં પણ વધુ માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. કમરતોડ મોંઘવારીથી રાહત મળે એવી કોઈ આશાની કિરણ જોવા મળતી નથી. ઑક્ટોબર મહિના માટે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (જથ્થાબંધ મોંઘવારી) 12.54 ટકા રહ્યો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 10.66 ટકા હતો. છેલ્લા પાંચ મહિનામાં મોંઘવારી ટોચ પર રહી છે. વાણિજ્ય મંત્રાલયે આ આંકડાકીય રીપોર્ટ જાહેર કર્યો છે.
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા રીપોર્ટ અનુસાર સપ્ટેમ્બરની તુલનામાં ઑક્ટોબરમાં WPI(Wholesale Price Index) 10.6 ટકાથી વધીને 12.54 ટકા રહ્યો હતો. જ્યારે આ દરમિયાન ખાણી પીણીના સામાનનો મોંઘવારી દર 1.14 ટકાથી વધીને 3.06 ટકા થઈ ગયો હતો. શાકભાજીનો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ -32.45થી વધીને -18.49 ટકા રહ્યો છે. જ્યારે ઉત્પાદનનો WPI 11.41 ટકાથી વધીને 12.04 ટકા થયો છે. ફયુલ એન્ડ પાવરની વાત કરવામાં આવે તો જથ્થાબંધ મોંઘવારીમાં સૌથી વધારે વધારો આ ક્ષેત્રમાં થયો છે. જ્યાં 24.81 ટકાથી વધીને 37.18 ટકાના સ્તર સુધી પહોંચી છે. સરકારી આંકડાઓ અનુસાર ઈંઘણ અને વીજળીના ભાવમાં ઝડપથી થતા ભાવ વધારાને કારણે આટલી મોંઘવારી વધી છે. મોંઘવારીના માર માટે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટની કિંમતમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ કારણ પણ જવાબદાર છે. શુક્રવારે રીટેઈલ મોંઘવારી દર માટેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનાની તુલનામાં ઑક્ટોબર મહિનામાં રીટેઈલ મોંઘવારી 4.35 ટકાથી વધીને 4.48 ટકા રહ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગુ થતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ ફ્યૂલ પર લાગુ થતો વેટ ઘટાડવા નવેમ્બર મહિનામાં અપીલ કરવામાં આવી હતી. તેથી આવનારા મહિનામાં થોડી રાહત મળી શકે એમ છે.
માર્કેટ નિષ્ણાંતો જણાવે છે કે, ઈંધણ અને વીજળીના ભાવમાં વધારો થવાથી દેશમાં મોંઘવારી વધી છે. આ બે બાબતોને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર સૌથી વધુ ભાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારત જેવા દેશમાં કુલ છ પ્રકારની મોંઘવારી લોકોને સીધી રીતે અસર કરે છે. જેમાં હોસ્પિટલ અને દવા, શિક્ષણ, મકાન તથા લાઈફસ્ટાઈલ જેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ પરિવારમાં વ્યક્તિ બીમાર પડે ત્યારે સૌથી વધારે બજેટ ખોરવાય છે. પણ આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ગગડશે તો આંશિક રાહત મળી રહેશે.