કંગના રણૌત સતત કોઈને કોઈ મુદ્દાને લઈને વિવાદમાં રહે છે. આ વખતે તેણે પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરીને બફાટ કરવાનું શરૂ કર્યું છે. એક્ટ્રેસ કંગના રણૌતે તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું છે. જેના કારણે હંગામો થઈ ગયો છે. વર્ષ 1947માં મળેલી આઝાદીને કંગનાએ ભીખ ગણાવી હતી. આ પછી એક્ટ્રેસની સામે FIR સુધીના પગલાં ભરવા માંગ ઊઠી છે. હવે આ મામલે સિંગર-મ્યુઝિક કંપોઝર વિશાલ દદલાણીએ પણ પ્રતિક્રિયા આપી દીધી છે.
વિશાલ દદલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કંગનાનું નામ લીધા વગર એક મજબૂત સંદેશ આપતી એક પોસ્ટ શેર કરી છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિશાલ દદલાનીએ પોતાના ઈન્સ્ટા. એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે શહીદ ભગત સિંહની તસવીર સાથે ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેના પર લખેલું છે- ઝિંદાબાદ. એનો કહેવાનો અર્થ કંગનાનએ કરેલા નિવેદનની સામે હતો. આ તસવીરની સાથે વિશાલ દદલાનીએ કેપ્શનમાં લખ્યું કે, એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું કે આપણી આઝાદી ‘ભીખ માંગતી’ હતી. મારા ટી-શર્ટ પર શહીદ સરદાર ભગતસિંહ છે, જેઓ નાસ્તિક, કવિ, ફિલોસોફર, સ્વાતંત્ર્ય સેનાની, ભારતના અને ખેડૂત પુત્ર છે. માત્ર 23 વર્ષની ઉંમરે, તેમણે આપણી આઝાદી માટે, ભારતની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું.

હોઠ પર સ્મિત સાથે અને ગીત ગાતા તે ફાંસીના માંચડે ગયા હતા. વિશાલ દદલાણીએ આ પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે, જેમણે ‘ભીખ માગવાની’ ના પાડી. તેને સુખદેવ, રાજગુરુ, અશફાકુલ્લાહ અને અન્ય હજારો લોકોની યાદ અપાવો. જેમણે નમન કરવાનો ઇનકાર કર્યો હતો, ભીખ માંગવાનો ઇનકાર કર્યો હતો. તેને નમ્રતાપૂર્વક અને નિશ્ચિતપણે યાદ કરાવો. જેથી તે ફરી ક્યારેય ભૂલવાની હિંમત ન કરે.’ એનો કહેવાનો અર્થ અંગ્રેજો સામે આ લોકોએ કોઈ વખત નમતુ જોખ્યું ન હતું એ હતો.
વાસ્તવમાં, હાલમાં કંગના રનૌતે જ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે, આઝાદી 1947માં આપવામાં આવી ન હતી, પરંતુ એ ભીખ હતી. જે આઝાદી મળી તે 2014માં મળી છે. જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર સત્તામાં આવી હતી. આ નિવેદન અંગે ભારે હોબાળો થયો છે. તેની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. આ નિવેદન પર ઘણા લોકોએ કંગનાનો પદ્મશ્રી એવોર્ડ પાછો ખેંચવાની પણ માંગ કરી છે. આના પર કંગનાએ સ્પષ્ટતા કરી હતી કે, જો કોઈ તેને કહેશે કે 1947માં શું થયું હતું તો તે તેનો પદ્મશ્રી એવોર્ડ પરત કરી દેશે.

પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘આ ઈન્ટરવ્યુમાં તમામ બાબતો સ્પષ્ટ રીતે કહેવામાં આવી હતી કે આઝાદી માટેનું પહેલું સંગઠિત યુદ્ધ 1857માં લડવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકરજીના બલિદાન અંગે પણ વાત કરવામાં આવી છે. વર્ષ 1857માં જે લડાઈ લડવામાં આવી હતી એની મને ખબર છે પણ વર્ષ 1947માં કઈ લડાઈ થઈ હતી એ અંગે મને ખ્યાલ નથી. આ વાત પર કોઈ મારી જાણકારી વધારશે તો હું મારો પદ્મશ્રી એવોર્ડ પાછો આપીને માફી માગી લઈશ.