રાજકોટ પીયરમાં રહેતી અને મોરબી સિટીમાં સાસરૂ ધરાવતી એક પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેણે કહ્યું કે, પતિએ લગ્નના બીજા જ દિવસે કહ્યું કે, આપણે રૂમનો દરવાજો ખુલ્લો રાખીને સૂવાનું છે. મને પિતાથી ખૂબ ડર લાગે છે. દર ત્રીજા દિવસે દીયર, સાસુ તથા નણંદ સહિતના લોકોએ ઘરકામ બાબતે માનસિક ત્રાસ દેવાનું શરૂ કર્યું હતું.
આ મામલે મહિલાએ રાજકોટમાં આવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે મહિલા પોલીસે મહિલાની ફરિયાદ પરથી પતિ ભાવિક, સસરા અતુલ રજનીકાંત રાવલ, સાસુ કોકિલાબેન, દીયર ભાવિન તથા નણંદ વૈશાલી સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. પરિણીતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા લગ્ન તા.7.5.2019ના રોજ થયા હતા. ભાવિક મારો પતિ છે. હજુ સુધી કોઈ સંતાન નથી. લગ્ન પછી અમે સંયુક્ત પરિવારમાં રહેતા. પણ લગ્નના બીજા જ દિવસે પતિએ જે વાત કહી એ પછી ઝઘડા શરૂ થયા. નાની વાતમાં પતિએ આશંકા કરવાનું શરૂ કરી દીધું. લગ્નના થોડા દિવસ બાદ સાસુ અને નણંદે કામ મુદ્દે ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. નણંદે કહ્યું હતું કે, તમારા અને કામવાળીમાં જાજો કોઈ ફેર નથી. જ્યારે પીયરમાંથી ફોન આવે ત્યારે દીયર પાછળ પાછળ ફરતો હતો. શું વાત કરૂ છું એ સાંભળતો હતો.
જ્યારે પતિ પત્ની પર મારપીટ કરતો. થોડા સમય બાદ મને અને પતિને ગોંડલમાં નોકરી મળતા ત્યાં રહેવા જતા રહ્યા. પણ સાથી કર્મચારી સાથે વાતચીત કરૂ તો પતિને ગમતું નહીં. પતિ ઘરે માથાકુટ કરતો હતો. જ્યારે વાત સાસુ સસરા સુધી પહોંચી ત્યારે એમણે પણ પતિની તરફેણ કરી. જે પગાર આવતો એ મને વાપરવા માટે પણ દેતા નહીં. પૈસા તમામ પતિ લઈ લેતો અને બેદરકારીભર્યું વર્તન કરતો. એની આવી વર્તણૂંકને કારણે શાળામાંથી રાજીનામું દેવાની ફરજ પડી હતી. પછી અમે રાજકોટ રહેવા માટે આવી ગયા હતા. જ્યારે ગર્ભવતી હતી ત્યારે પતિ મૂકીને ચાલ્યો જતો હતો. સાસરિયામાંથી કોઈ તબિયત પૂછવા માટે પણ આવ્યું નહીં. અંતે મારપીટ કરીને પહેરેલા કપડાંમાં કાઢી મૂકી હતી.