મોરબી શહેર એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી રોડ પર આવેલી સત્યમ બેટરી પાસે કેટલાક લોકો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચ પર જુગાર રમતા બે શખ્સોને ઝડપવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં વાઘપરા મોરબીના રાજેશભાઈ અશ્વિનભાઈ ઉભડીયા અને લિલાપર રોડ, હોથીપીરની દરગાહ પાસે મફતીયાપરા વિસ્તારના અજયભાઈ ગોપાલભાઈ ભડલકીયાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 3,700ની રોકડ રકમ, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 40,000 તથા જીજે-36-બી.એ.-0430 નંબરની મોટરસાયકલ કિંમત રૂપિયા 50,000 સહિત કુલ રૂ. 93,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપીઓ તરીકે મોરબીના વિશુભા ઝાલા અને કબીર ટેકરી વિસ્તારના ઇસ્માઇલભાઈ કુરેશીના નામ સામે આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

