ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનથી ઘણા જ નારાજ અને નાખુશ છે. શાસ્ત્રીનો કાર્યકાળ વર્લ્ડ કપ બાદ પૂરો થઈ રહ્યો છે પણ અફસોસ કે, ટીમ સેમિફાનલમાં પહોંચી નથી. ટીમ ઈન્ડિયા રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં એક પણ આઈસીસી ટુર્નામેન્ટ જીતી શકી નથી.
નામિબિયા સામેની મેચ અગાઉ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયા સાથે તેમનો કાર્યકાળ ઘણો જ શાનદાર રહ્યો. આ સાથે તેમણે તે પણ કહ્યું હતું કે, બાયો બબલમાં રહેવાના કારણે ખેલાડીઓની મનોસ્થિતિ પર અસર પડી રહી છે. જ્યારે મેં મારા કાર્યકાળની શરૂઆત કરી હતી ત્યારે મેં પરિવર્તન અંગે વિચાર્યું હતું કે પરિવર્તન લાવવું છે અને કદાચ તે આવી ગયું છે. જીવનમાં ક્યારેક તે પણ જરૂરી છે કે તમે ક્યાંથી આવ્યા છો. છેલ્લા પાંચ વર્ષમાં ટીમ ઈન્ડિયાએ જે મેળવ્યું છે તે શાનદાર છે. છ મહિના સુધી બાયોબબલમાં રહેવું સરળ નથી. કોરોના અંગે આઈસીસી અને તમામ ક્રિકેટ બોર્ડે વિચાર કરવો પડશે.
તેમના માર્ગદર્શનમાં ભારતીય ટીમ 70 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ રહી હતી. તેમણે કહ્યું હતું કે, આ એ જ ટીમ છે જેણે છેલ્લા પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા સામે વિશ્વમાં તમામ જગ્યાએ જઈને જીત મેળવી છે.