છઠના મહાપર્વનો પ્રારંભ થયો છે. છઠનો તહેવાર દીપાવલીના 6 દિવસ પછી કારતક મહિનાના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. સતત ચાર દિવસ સુધી ઉજવાતા આ તહેવારના પ્રથમ દિવસે સ્નાન અને ભોજન કરવાની પરંપરા છે. પણ રાજધાની દિલ્હીમાં વહેતી યમુના નદીમાં પ્રદૂષણને કારણે મહિલાઓ દૂષિત પાણી વચ્ચે પૂજા કરી રહી છે.
યમુના નદીના છઠ ઘાટ પર ઝેરી ફીણ જોવા મળ્યાં છે. ત્યારે ઝેરી ફીણમાં પણ ભક્તો છઠની પૂજા કરી સ્નાન કરતા જોવા મળ્યાં છે. જોકે, કોરોનાને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ યમુના નદીના કિનારે છઠની પૂજાની મંજૂરી આપી નથી. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યું છે.
યમુના નદીમાં એમોનિયાનું સ્તર વધ્યું છે, જેના કારણે અહીં ફીણ ઊભું થયું છે. એમોનિયા સ્તર વધવાને કારણે પાણી પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે. જોકે શિયાળો શરૂ થતાં પ્રદૂષણ નો મુદ્દો દિલ્હીમાં નવો નથી. મંગળવારે પણ દિલ્હીમાં વહેલી સવારે પ્રદૂષણનું ધુમ્મસ જોવા મળ્યું છે. દિવાળી બાદ વાતાવરણ પલટાતા શ્વાસ લેવામાં મુશ્કેલી પડે એવી હાલત છે.