મોરબી જિલ્લામાં નર્મદા ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D-27 હેઠળ આવેલી વાઘપર માઇનોર કેનાલમાં છેલ્લા ચાર વર્ષથી સતત પાણી લીકેજ થતું હોવાના કારણે નજીકના ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
ખેડૂતોના જણાવ્યા મુજબ, કેનાલનું લાંબા સમયથી રિપેરિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે કિંમતી પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે. એક તરફ ખેડૂતો સિંચાઈ માટે પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેનાલમાંથી પાણી લીકેજ થઈને બગડી રહ્યું હોવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વારંવાર રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર સમસ્યાને કેમ અવગણવામાં આવી રહી છે. સાથે જ રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોની માંગ છે કે, લીકેજના કારણે થયેલા પાક અને જમીનના નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેમજ વાઘપર માઇનોર કેનાલનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરીને પાણી લીકેજ બંધ કરવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ કાનૂની રીતે ન્યાય મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે.

